એશિયામાં સૌથી વધુ અબજોપતિ મુંબઈમાંઃ બીજિંગ પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો

27 March, 2024 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓ ધરાવતું ત્રીજું શહેર બન્યું મુંબઈ

મુકેશ અંબાણી , ગૌતમ અદાણી

શાંઘાઈની હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તાજેતરમાં દુનિયાના વિવિધ દેશો તેમ જ શહેરો કેટલા અબજોપતિ ધરાવે છે એનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ઓવરઑલ એશિયામાં મુંબઈ હવે અબજોપતિઓની સંખ્યામાં પહેલા નંબરે પહોંચી ગયું છે. આ અગાઉ ચીનની રાજધાની બીજિંગ પ્રથમ સ્થાને હતી જે હવે બીજા નંબરે આવી ગઈ છે. એટલું જ નહીં, આ લિસ્ટમાં વૈશ્વિક રીતે મુંબઈ સૌથી વધુ અબજોપતિઓની સંખ્યા ધરાવતું ત્રીજા નંબરનું શહેર બની ગયું છે. રિપોર્ટ મુજબ ૧૧૯ અબજપતિઓ સાથે આ યાદીમાં ન્યુ યૉર્ક પ્રથમ સ્થાને છે. આ પછી લંડન ૯૭ અબજોપતિ સાથે આ લિસ્ટમાં બીજા સ્થાને છે જ્યારે ભારતની આર્થિક રાજધાની મુંબઈ ૯૨ અબજોપતિઓ સાથે ત્રીજા સ્થાને છે. આ લિસ્ટમાં શાંઘાઈ ૮૭ અબજોપતિ સાથે પાંચમા, શેનઝેન ૮૪ સાથે છઠ્ઠા અને હૉન્ગકૉન્ગ ૬૫ અબજોપતિ સાથે સાતમા ક્રમે છે.

જોકે સમગ્ર દેશની વાત કરીએ તો ભારત કરતાં ચીન આગળ છે. ચીનમાં કુલ ૮૧૪ અબજોપતિઓ રહે છે, જ્યારે ભારતમાં કુલ ૨૭૧ અબજપતિઓ રહે છે. જોકે મુંબઈનું ચીનની રાજધાનીથી આગળ નીકળી જવું બે કારણસર થયું છે. વાસ્તવમાં જ્યાં એક તરફ મુંબઈને ૨૬ નવા અબજોપતિ ઉમેરવામાં સફળતા મળી છે ત્યારે ચીનની રાજકીય અને સાંસ્કૃતિક રાજધાની બીજિંગમાં ૧૮ અબજપતિઓ ઓછા થયા છે. મુંબઈના અબજોપતિઓની કુલ સંપત્તિમાં વાર્ષિક ધોરણે ૪૭ ટકાનો જમ્પ જોવા મળ્યો છે. જ્યારે બીજિંગના અબજોપતિઓની કુલ સંપત્તિ ગયા વર્ષની સરખામણીએ ૨૮ ટકા ઘટી છે.

ભારતમાં સૌથી વધુ નેટવર્થ ધરાવતા લોકોની યાદીમાં પહેલા નંબરે મુકેશ અંબાણી અને બીજા નંબરે ગૌતમ અદાણી છે, જે વિશ્વમાં અનુક્રમે ૧૧મા અને ૧૫મા સ્થાને છે.

offbeat news mumbai news