મૉરોક્કોની હિજાબ પહેરતી કેન્ઝા લાયલી બની વિશ્વની પહેલવહેલી મિસ AI

11 July, 2024 11:14 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કેન્ઝાને ટાઇટલની સાથે બે લાખ ડૉલરનું પ્રાઇઝ પણ મળ્યું છે

AI મૉડલ

જેનું કોઈ રિયલ અસ્તિત્વ જ નથી એવી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) નિર્મિત સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સુંદરીઓની વૈશ્વિક સ્પર્ધા યોજાઈ હતી જેની જાહેરાત એપ્રિલ મહિનામાં થઈ હતી અને એક મહિના પહેલાં એમાંથી ટૉપ ૧૦ ફાઇનલિસ્ટ્સની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ દસેય ફાઇનલિસ્ટ AI મૉડલ્સને ૧૫૦૦ કમ્પ્યુટરાઇઝ્ડ ચૅલેન્જિસ આપવામાં આવી હતી. દરેક ચૅલેન્જમાં તેમના પર્ફોર્મન્સને આધારે મળેલા માર્ક્સમાં મૉરોક્કોની લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુઅન્સર કેન્ઝા લાયલી બાજી મારી ગઈ અને તેણે મિસ બ્યુટિફુલ AIનો પહેલો ખિતાબ હાંસલ કરી લીધો હતો. કેન્ઝાએ જીત પછી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને માણસોની જેમ લાગણીઓ સમજાતી કે ફીલ નથી થતી છતાં આ અવૉર્ડ માટે હું એક્સાઇટેડ છું.

કેન્ઝાને ટાઇટલની સાથે બે લાખ ડૉલરનું પ્રાઇઝ પણ મળ્યું છે જે તેને ક્રીએટ કરનારા ટેક એક્ઝિક્યુટિવને મળશે. આ સૌંદર્યસ્પર્ધા ફૅનવુ વર્લ્ડ AI ક્રીએટર્સ અવૉર્ડ્સ (WAICA) સંસ્થા દ્વારા યોજાઈ હતી. એમાં જે  મૉડલ્સ બ્યુટી, ટેક્નૉલૉજી અને સોશ્યલ મીડિયા ક્ષેત્રમાં સારું નામ ધરાવતી હતી તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેન્ઝા લાયલીના ઇન્સ્ટાગ્રામ પર ૧,૯૪,૦૦૦ ફૉલોઅર્સ છે. તેની સાથે ફ્રેન્ચ બ્યુટી લૅલિના વૅલિના અને પોર્ટુગલની મૉડલ ઑલિવિયા ટૉપ-થ્રીમાં પહોંચી હતી.

offbeat news morocco ai artificial intelligence