શું આ કૉઇન પર છે એલિયનની ડિઝાઇન?

24 June, 2022 08:19 AM IST  |  Michigan | Gujarati Mid-day Correspondent

એક દિવસ ચાંદીના સિક્કાની શોધ કરતી વખતે જૉર્ડનને આ વિચિત્ર સિક્કો મળ્યો હતા

કૉઇન પર એલિયનની ડિઝાઇન

અમેરિકાના મિશિગનમાં રહેતા જૉર્ડન નામના યુવકે તાજેતરમાં એક અનોખો સિક્કો શૅર કર્યો હતો, જેણે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. નવાઈની વાત એ હતી કે આ સિક્કામાં એલિયન કોતરવામાં આવ્યો છે. જૉર્ડનને સિક્કાની ચકાસણી કરવાનો શોખ છે. એક દિવસ ચાંદીના સિક્કાની શોધ કરતી વખતે તેને આ વિચિત્ર સિક્કો મળ્યો હતા, જેને તેણે સોશ્યલ મીડિયા વેબસાઇટ પર મૂક્યો હતો. આ સિક્કો જોયા બાદ એક યુઝરે એની સરખામણી હૉબો નિકલ્સ ડિઝાઇન સાથે કરી હતી. જે લોકો હસ્તકલાને લોકપ્રિય બનાવવાનું કામ કરતા તેમને હૉબો તરીકે ઓળખવામાં આવતા હતા. ૨૦મી સદીની શરૂઆતમાં આવા લોકો લોકપ્રિય થયા હતા. તેઓ સિક્કામાં છરી અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને પોતાની ડિઝાઇન કોતરતા હતા. એવું માનવામાં આવે છે કે ૧૯૧૩થી ૧૯૮૦ સુધી ૨,૦૦,૦૦૦ જેટલા ક્લાસિક ડૉબો નિકલ્સ બનાવવામાં આવ્યા હતા.

સિક્કાની બીજી બાજુ શું છે એ જાણવામાં પણ ઘણા નેટ-યુઝર્સને રસ હતો. જોકે જૉર્ડને કહ્યું કે માત્ર સિક્કાના માલિક જ એને જોઈ શકે છે. સિક્કાને જૉર્ડન જૂના સિક્કા રાખનાર વ્યક્તિ પાસે લઈ ગયો. તેના મતે આ સિક્કો એટલો દુર્લભ નથી. એને વેચવા જઈએ તો માત્ર ૧૦થી ૨૦ ડૉલર (એટલે કે ૮૦૦થી ૧૬૦૦ રૂપિયા) જ ઊપજશે. આ વાત સાંભળીને જૉર્ડન નિરાશ થયો હતો. જોકે તેણે આવા બીજા સિક્કા શોધવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યું હતું.

offbeat news international news michigan