08 June, 2023 09:19 AM IST | Colorado | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
કોઈ પણ હિસાબે પોતાની મમ્મીને મળવા માગતા ૧૦ વર્ષના એક કિશોરે અમેરિકાના મિશિગન સ્ટેટમાં ગયા મહિને એક કારની ચોરી કરી હતી તેમ જ એને ઇન્ટરસ્ટેટ હાઇવે પર હંકારી હતી. આ ઘટના ગયા ગુરુવારે ફ્લિન્ટ શહેરની નજીક આવેલા બ્યુએના વિસ્ટામાં બની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ કાર ૨૦૧૭માં નિર્મિત બ્યુક એન્કોર એસુયવી હતી. ૧૦ વર્ષના કિશોરની ઊંચાઈ પાંચ ફુટ કરતાં પણ ઓછી હતી. તે ડ્રેટ્રોઇટમાં તેની મમ્મી પાસે જવા માગતો હતો. ટ્રાફિક-પોલીસને આ વિશે તરત માહિતી મળી હતી. તેમણે આ કારને રોકવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ એ રોકાઈ નહોતી. હાઇવે પર પણ ઘણા લોકોએ એક કિશોર એસયુવી હંકારી રહ્યાના મેસેજ પોલીસને આપ્યા હતા. આખરે પોલીસે એક અન્ય કારમાં તેનો પીછો કર્યો હતો, જેનો ૩૨ સેકન્ડનો વિડિયો પણ શૅર કરવામાં આવ્યો હતો. એમાં સિલ્વર રંગની એસુયવી કાર ખરાબ રીતે આગળ વધી રહી છે. કિશોર હાઇવે પર કારને સાઇડ પર મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. જોકે તેને પકડીને જુવેનાઇલ સેન્ટરમાં લઈ જવાયો હતો.