મેક્સિકોના મેયરે મગર સાથે લગ્ન કર્યાં

04 July, 2022 09:55 AM IST  |  Mexico | Gujarati Mid-day Correspondent

મેયરે સદીઓ જૂની પરંપરાનું પાલન કરતાં દુલ્હનના પહેરવેશમાં સજાવાયેલા મગર સાથે લગ્ન કર્યાં હતાં

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ઇન્ટરનેટના માધ્યમથી સોશ્યલ મીડિયા પર જેમ અવનવી વાતો જાણવા મળે છે એમ અનેક રૂઢિવાદી પરંપરાઓ વિશે પણ માહિતી મળતી હોય છે. હાલમાં સોશ્યલ મીડિયા પર એક તદ્દન વિચિત્ર કહી શકાય એવી પરંપરાનો વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં મેક્સિકોના માછીમારી પર નભતા ઓક્સાકા નામના નાનકડા ગામના મેયરે સદીઓ જૂની પરંપરાનું પાલન કરતાં દુલ્હનના પહેરવેશમાં સજાવાયેલા મગર સાથે લગ્ન કર્યાં હતાં.

સૅન પેડ્રો હ્યુઆમેલુલાના મેયર વિક્ટર હ્યુગો સોસાએ ગુરુવારે સદીઓ જૂની પરંપરાનું પાલન કરતાં ૭ વર્ષની માદા મગર સાથે લગ્ન કર્યાં હતાં, જેનું મોઢું બાંધેલું હતું.

વિક્ટર સોસાએ જણાવ્યું કે આ પરંપરા ઓક્સાકા રાજ્યના ચોંટલ અને હુવે સ્વદેશી સમુદાયોમાં સદીઓ જૂની છે, જેમાં કુદરતની કૃપા માટે પ્રાર્થના કરવામાં આવે છે. પ્રકૃતિને પૂરતો વરસાદ, પૂરતા ખોરાક, નદીઓમાં પુષ્કળ માછલીઓ માટે પ્રાર્થના કરવામાં આવે છે. પરંપરા મુજબ ૭ વર્ષના મગરને દુલ્હનના સફેદ તેમ જ અન્ય રંગબેરંગી વસ્ત્રોમાં સજાવવામાં આવે છે. એ મગરને નાનકડી રાજકુમારી અને ધરતીમાતાની પુત્રી માનવામાં આવે છે અને મેયર સાથેનાં તેનાં લગ્નને માનવીના પરમાત્મા સાથેના મિલન કે જોડાણ તરીકે ગણવામાં આવે છે. ખૂબ ધામધૂમથી લગ્નપ્રસંગ ઊજવાય છે. સ્થાનિક લોકો દુલ્હન મગરને હાથમાં લઈને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં ઢોલ-નગારાં સાથે નૃત્ય કરે છે. આ વિડિયોને અત્યાર સુધી બે લાખ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે.

offbeat news international news