બોલો, ભારતમાં રહીને એક પુરુષે ૩૯ સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં અને ૯૪ બાળકો પેદા કર્યાં

16 February, 2024 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિઝોરમના બક્તવાંગ ગામમાં એક પહાડી પર બનેલું તેમનું વિશાળ ચાર માળનું ઘર અલગ જ લાગે છે. એમાં ૧૦૦ રૂમ છે. દરેક પત્ની અને તેના પરિવારને અલગ-અલગ રૂમ આપવામાં આવી છે.

જિયોના ચાનાનો પરિવાર

માત્ર વિદેશોમાં જ લગ્ને-લગ્ને કુંવારા પુરુષો મળે છે એવું નથી, ભારતમાં પણ આવા મહાનુભાવ હતા જેઓ બે વર્ષ પહેલાં આ દુનિયામાંથી વિદાય થઈ ગયા. ૭૫ વર્ષની ઉંમરે જિયોના ચાના નામના ભાઈ મૃત્યુ પામ્યા ત્યારે તેમનો ફર્સ્ટ હૅન્ડ પરિવાર એક વટવૃક્ષને નાનો કહેવડાવે એટલો વિસ્તરેલો હતો. આજે પણ જિયોના ચનાનો પરિવાર વિશ્વના સૌથી મોટા પરિવાર તરીકે ઓળખાય છે. પરિવાર મિઝોરમના બક્તવાંગ નામના ગામમાં એક જ ઘરમાં રહે છે. જિયોનાને ૩૯ પત્નીઓ અને ૯૪ બાળકો હતાં. કુલ મળીને આખા કુટુંબમાં ૧૮૧ લોકો હતા.

વાત એમ હતી કે જિયોના પોતાને ગામનો સૌથી સુંદર અને સ્માર્ટ વ્યક્તિ માનતો હતો. જો તેને ગામની કોઈ સ્ત્રી ગમતી હોય તો તે તેને લગ્નની ઇચ્છા દર્શાવતો પત્ર મોકલતો અથવા તે તેની પત્ની અથવા પરિચિતોમાંથી કોઈ એકને સંબંધ માટે પ્રસ્તાવ મોકલતો અને જો છોકરી સહમત થાય તો તે તેની સાથે લગ્ન કરતો.જિયોનાની અડધી પત્નીઓની ઉંમર ૪૦ વર્ષ કે એથી ઓછી હતી. તેનાં પ્રથમ લગ્ન ૧૭ વર્ષની ઉંમરે તેનાથી ત્રણ વર્ષ મોટી છોકરી સાથે થયાં હતાં. ત્યાર બાદ તે લગ્ન કરતો જ રહ્યો હતો. હવે તેના આખા પરિવારમાં પુત્રવધૂ, જમાઈ અને ઘણા બધા પૌત્રો છે. સ્વાભાવિક છે કે આટલો મોટો પરિવાર અને અપાર સંપત્તિ ધરાવનાર વ્યક્તિ કોઈ રજવાડા કે જાગીરદારથી કમ નથી. બાય ધ વે, તે જ્યાં રહેતો હતો એ ગામનો મોટો હિસ્સો તેનો પોતાનો હતો.

મિઝોરમના બક્તવાંગ ગામમાં એક પહાડી પર બનેલું તેમનું વિશાળ ચાર માળનું ઘર અલગ જ લાગે છે. એમાં ૧૦૦ રૂમ છે. દરેક પત્ની અને તેના પરિવારને અલગ-અલગ રૂમ આપવામાં આવી છે. જો બાળકો મોટાં થઈને લગ્ન કરે તો તેમને અલગ રૂમ મળે છે. ૨૦૧૧માં વર્લ્ડ રેકૉર્ડ ઍકૅડેમી ધ વૉલ સ્ટ્રીટ જર્નલ અને ૨૦૧૯માં લંડન વર્લ્ડ રેકૉર્ડ દ્વારા તેમના પરિવારને વિશ્વના ‘સૌથી મોટા પરિવાર’ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા હતા.

offbeat videos offbeat news mizoram