19 April, 2025 02:22 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
૧૨ એપ્રિલે એક ભાઈ બૅન્ગલોરના ભરચક રસ્તાની વચ્ચે બપોરની ચા પીવા બેસી ગયા.
સોશ્યલ મીડિયા પર ઇન્સ્ટન્ટ ફેમ મેળવવા માટે લોકો કોઈ પણ સ્ટન્ટ કરતા હોય છે. ૧૨ એપ્રિલે એક ભાઈ બૅન્ગલોરના ભરચક રસ્તાની વચ્ચે બપોરની ચા પીવા બેસી ગયા. એ માટે તેમણે રિવૉલ્વિંગ ચૅર રસ્તાની વચ્ચે મૂકી દીધી હતી. ખુરસીની બેઉ તરફથી રિક્ષા, ટૅક્સી અને ટૂ-વ્હીલર્સ પસાર થઈ રહ્યાં હતાં ત્યારે આ ભાઈ પોતાની મસ્તીમાં રસ્તાની વચ્ચે બેસીને ચાની ચૂસકી લગાવી રહ્યા હતા. વાહનચાલકો પાછળ વળી-વળીને આ માણસની હરકત જોઈ રહ્યા હતા, પણ ચા પીવાની મસ્તીમાં એ ભાઈને કોઈ અસર નહોતી થઈ. જોકે આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં બૅન્ગલોર પોલીસ સાબદી થઈ ગઈ. આ સ્ટન્ટમૅનને પકડીને તેની વિરુદ્ધ કેસ દાખલ કરી દીધો છે અને એની જાહેરાત કરતાં બૅન્ગલોર સિટી પોલીસે સોશ્યલ મીડિયા પર લખ્યું છે, ‘ટ્રૅફિકની વચ્ચે ટી-ટાઇમ માણવા બદલ ફેમ નહીં મળે, ભારે ફાઇન લાગશે.’