ફાયર-બ્રિગેડને કામ કરતી જોવાનું બહુ ગમતું હોવાથી ૧૨ મહિનામાં ૮૦ વખત પોતાના ઘરને આગ લગાડી

06 May, 2025 02:26 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કોર્ટે તેને ૮ મહિનાની જેલ અને ૧૫૦ કલાક અનપેઇડ મજૂરી કરવાની સજા સંભળાવી હતી.

જેમ્સ બ્રાઉનને બાળપણથી જ ફાયર-ફાઇટર બનવાની ઇચ્છા હતી

બ્રિટનના નૉર્થમ્બરલૅન્ડમાં રહેતા ૨૬ વર્ષના જેમ્સ બ્રાઉનને બાળપણથી જ ફાયર-ફાઇટર બનવાની ઇચ્છા હતી. જોકે તે એ ક્ષેત્રમાં કરીઅર તો ન બનાવી શક્યો, પરંતુ ફાયર-ફાઇટર્સ જે રીતે કામ કરતા હોય એ જોવાની ઇચ્છા દબાવી ન શક્યો. ભલે તે પોતે ફાયર-ફાઇટર ન બન્યો, પણ તે એ લોકોને નજીકથી કામ કરતા જોવાની ઇચ્છાને કામયાબ બનાવવા માટે અનોખો જુગાડ ખેલ્યો. પોતાના જ ઘરને આગ ચાંપી દીધી અને ફાયર ડિપાર્ટમેન્ટમાં ફોન કર્યો. દર વખતે તરત જ મારતા ઘોડે ફાયર-બ્રિગેડ આવે અને આગને ઝટપટ બુઝાવી દે. જોકે ૨૦૨૩ની ૯ સપ્ટેમ્બરે તેણે એક ભૂલ કરી દીધી. રાતના સમયે તેણે ડિપાર્ટમેન્ટમાં ફોન કરીને ફાયર-ફાઇટર્સને બોલાવ્યા. આગ બુઝાવીને ફાયર-અધિકારીઓએ એનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે વીજળીના મીટરમાં સ્પાર્ક થઈ રહ્યો હતો અને એની બાજુમાં કપડું પડ્યું હતું એને કારણે આગ લાગીને ફેલાઈ ગઈ. ફાયર-ફાઇટરોએ ઇલેક્ટ્રિસિટીમાં શું તકલીફ છે એની શોધ સવારે અજવાળામાં કરી શકાશે એમ વિચારીને ઘરની ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ કરી દીધી. જોકે એ પછી દોઢ જ કલાકમાં ફરીથી જેમ્સનો ફોન આવ્યો કે આગ લાગી છે. તરત ફાયર-ફાઇટર્સ દોડ્યા. ફરી આગ લાગવાનું કારણ શું હતું? એ પૂછતાં જેમ્સે ફરી વીજળીના મીટરમાં સ્પાર્કની વાત દોહરાવી. જ્યારે તેના ઘરમાં વીજળીની સપ્લાય જ નથી તો મીટરમાં સ્પાર્ક કઈ રીતે થાય? અધિકારીઓને શંકા ગઈ અને તેમણે આગ લાગવાનું કારણ તપાસવા ખણખોદ કરી તો ખબર પડી કે જેમ્સે ખુદે જ આગ લગાવી હતી. એટલું જ નહીં, છેલ્લા એક વર્ષમાં આ ઘરમાં આગ લાગ્યા પછી રેસ્ક્યુ માટે ૮૦ વાર ફોન આવી ચૂક્યા હતા. ફાયર-ફાઇટરોએ નોંધ્યું હતું કે જ્યારે પણ તેઓ આગ બુઝાવવા આવે ત્યારે જેમ્સ એ ઘટનાનો વિડિયો બનાવતો હતો. તેને ઘર બળી રહ્યું છે એની ચિંતા નહોતી, પણ મજા આવતી હોય એવું લાગતું હતું. આખરે તેના પર પોતાના જીવને જોખમમાં મૂકવાનો અને ઘરને નુકસાન પહોંચાડવાનો કેસ દાખલ કરવામાં આવ્યો. એ પછી તેણે કોર્ટમાં પોતાના આ વિચિત્ર પૅશનની કબૂલાત કરી હતી. કોર્ટે તેને ૮ મહિનાની જેલ અને ૧૫૦ કલાક અનપેઇડ મજૂરી કરવાની સજા સંભળાવી હતી.

international news world news united kingdom Crime News