11 September, 2025 01:16 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
છ કલાકથી મૃત પડેલી વ્યક્તિએ જાગીને કહ્યું, ‘મૈં અભી ઝિંદા હૂં’
મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં એક ગામમાં લોકોએ વહેલી સવારે રોડના કિનારે એક વ્યક્તિને પડેલી જોઈ. ઊંધા સૂઈ રહેલા આ માણસને તેમણે જગાડવાની કોશિશ કરી, પણ હલનચલન થયું નહીં. જોકે પછી લોકોએ હાથની નસ અને શ્વાસોચ્છ્વાસ તપાસ્યાં તો માણસ મરી ગયેલો હોય એવું લાગ્યું. તેના હાથ-પગ ઠંડા પડી ગયેલા. તરત જ લોકોએ પોલીસને જાણ કરી. પોલીસે આવીને જોયું તો તેમને પણ એ શબ જ લાગ્યું. શબને ઉઠાવવા માટે પોલીસે શબવાહિની મગાવી. લોકો ભેગા મળીને તેને ઉઠાવવાની કોશિશ કરતા હતા ત્યારે જ પેલા ભાઈ સળવળ્યા અને ખૂબ ધીમા અવાજે કહ્યું, ‘મૈં અભી ઝિંદા હૂં.’ જોકે આ સાંભળીને ગામલોકો ત્યાંથી રફુચક્કર થઈ ગયા. ગામલોકોને ડર એ લાગ્યો કે છ કલાકથી જે મરેલો પડ્યો હતો તે જીવતો કેવી રીતે થઈ ગયો? જોકે પોલીસે તેના હાથ-પગ ઘસીને તેને ભાનમાં લાવવાની કોશિશ કરી અને ડૉક્ટર પાસે લઈ ગયા. ભાઈએ પોતાની સાથે બનેલી ઘટના વિશે બયાન આપ્યું એ સાંભળીને બધા દંગ રહી ગયા. તે રાતે ચિક્કાર દારૂ પીને બાઇક પર ઘરે જઈ રહ્યો હતો, પણ તેનાથી બાઇક ચલાવાય એટલું ભાન પણ નહોતું એટલે તે ક્યારે રોડના કિનારે બાઇક મૂકીને રોડ પર જ ઊંધો સૂઈ ગયો એની ખબર નહોતી. પુષ્કળ દારૂ પીવાને કારણે તેનું બ્લડ-પ્રેશર જબરદસ્ત લો થઈ ગયું હતું એટલે લોકોએ તેને મૃત માની લીધેલો.