૨૦૦૦૦ કૅલરીનું જમ્બો બર્ગર આ ભાઈ ૪ મિનિટમાં ઓહિયાં કરી ગયા

21 August, 2021 09:47 AM IST  |  Las Vegas | Gujarati Mid-day Correspondent

જેમની આધુનિકતાને ભારતનો સમાજ અનુસરે છે એ પશ્ચિમી વિશ્વમાં ઇટિંગ કૉમ્પિટિશનનો મહિમા વધતો જાય છે

મૅટ સ્ટોની

ભારતની ન્યાતોના જમણવારમાં મીઠાઈ ખાવાની ચડસાચડસીભરી હરીફાઈઓના બનાવો ભૂતકાળમાં ઘણા ચર્ચાતા હતા, પરંતુ આધુનિક જમાનામાં એ બાબત જુનવાણી, અપ્રસ્તુત અને પછાતપણું સૂચવતી માનવામાં આવે છે. બીજી બાજુ જેમની આધુનિકતાને ભારતનો સમાજ અનુસરે છે એ પશ્ચિમી વિશ્વમાં ઇટિંગ કૉમ્પિટિશનનો મહિમા વધતો જાય છે. ખાસ કરીને ડિજિટલ સોશ્યલ મીડિયામાં વિડિયો અપલોડ કરવાનું મહત્ત્વ વધતું જાય છે. અમેરિકાના લાસ વેગસ સ્થિત હાર્ટ-અટૅક ગ્રિલમાં ગઈ ૨૬ જુલાઈએ યોજાયેલી બાયપાસ ચૅલેન્જમાં મૅટ સ્ટોની નામનો સ્થાનિક રહેવાસી ૨૦,૦૦૦ કૅલરીનું જંગી કદનું બર્ગર ફક્ત ચાર મિનિટમાં ખાઈ ગયો હતો. લગભગ ૩૧.૫૦ ડૉલર - ૨૪ ડૉલર (લગભગ ૧૭૮૮ રૂપિયા) બર્ગરના અને ૭.૪૯ ડૉલર (લગભગ ૫૫૦ રૂપિયા) પૉર્કની સ્લાઇસની કિંમતના ઓક્તુપલ બાયપાસ બર્ગરમાં ભૂંડના માંસની ૪૦ સ્લાઇસ, ૮.૫ પૅટીસ, ચીઝની ૧૬ સ્લાઇસ, એક કાંદો, બે ટામેટાં અને બન્સમેટ હતાં. વિડિયોમાં મૅટ સ્ટોનીને બર્ગરના ત્રણ ભાગ કરીને વારાફરતી પાણીના ઘૂંટડા સાથે ચાવીને ગળે ઉતારતો બતાવાયો છે. ટાઇમરમાં ૪ મિનિટ ૧૦ સેકન્ડનો સમય દર્શાવવામાં આવ્યો છે. આ ચૅલેન્જનો અગાઉનો વિક્રમ ૭.૪૨ સેકન્ડનો હતો. એ વિક્રમ હાર્ટ-અટૅક ગ્રિલના જ કર્મચારી અને કૉમ્પિટિટિવ ઇટર મિકી સુડોએ નોંધાવ્યો હતો. તેની યુટ્યુબ ચૅનલના ૧.૪૬ કરોડ સબસ્ક્રાઇબર્સ છે. હાર્ટ-અટૅક ગ્રિલમાં જાડિયાઓને છૂટછાટ અપાઈ છે. ત્યાં પ્રવેશતા દરેક ગ્રાહકનું પહેલાં વજન કરવામાં આવે છે. વેઇંગ મશીનની સામે લખાયું છે, ‘૩૫૦ પાઉન્ડથી વધારે વજન ધરાવતા લોકો મફત ખાઈ શકે છે.’ હાર્ટ-અટૅક ગ્રિલમાં બનાવવામાં આવેલા ક્વૉડ્રુપ્લેટ બર્ગરની નોંધ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં કરવામાં આવી છે. ૧.૩૬ કિલોના બર્ગરમાં ૧૦,૦૦૦ કૅલરી હતી.

offbeat news international news las vegas