02 July, 2025 02:41 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
અંકલે ઘેરબેઠાં રમકડાનું સ્ટીમ એન્જિન બનાવ્યું જે માણસને પણ ખેંચી જઈ શકે છે
ટૉય કાર, ટૉય જહાજ કે ટૉય પ્લેન તો આપણે ઘણાં જોયાં છે, પરંતુ રમકડાની સાઇઝનું રિયલ સ્ટીમ એન્જિન જોયું છે? ઘણી વાર મિનિએચર સાઇઝના ટ્રૅક પર મિની ટ્રેન ચલાવવાની હોય તો આવું વરાળથી ચાલતું એન્જિન બનાવવામાં આવે છે. જોકે આ એન્જિન કેટલું તાકતવર હોય છે એનો પ્રયોગ એક ભાઈએ કર્યો છે. ઍલેક્સ ફ્લેચર નામના અંકલે મિનિએચર રેલવેના શોખને કારણે પોતાના ઘરના આંગણામાં એક રેલવે ટ્રૅક બનાવ્યો છે અને એ ટ્રૅક પર ચાલી શકે એવું જસ્ટ એકાદ ફુટનું સ્ટીમ એન્જિન તૈયાર કર્યું છે. એ એન્જિન માત્ર રમકડાનું નથી. એ રિયલ સ્ટીમ એન્જિનની ટેક્નૉલૉજીથી સજ્જ છે. એ એન્જિનની અંદર ઈંધણ બાળવાનું શરૂ કરીને એનાથી ટ્રેન ખેંચવાનો પ્રયોગ પણ ઍલેક્સ ફ્લેચરભાઈએ કર્યો છે. જોકે આ એન્જિનની ક્ષમતા જોઈને હક્કાબક્કા થઈ જવાય એવું છે. એક ફુટનું એન્જિન છે, પણ હટ્ટાકટ્ટા ઍલેક્સ અંકલને આરામથી ખેંચી જઈ શકે એવું છે. ટૉય ટ્રેનમાં સફર કરવા માટે ઍલેક્સે ટ્રૅક પર એક પ્લૅટફૉર્મ બનાવ્યું છે જે સ્ટીમ એન્જિન સાથે જોડાયેલું છે. ઍલેક્સભાઈએ કોવિડના સમયમાં ઘરમાં નવરાબેઠાં આ નવતર શોધ કરી હતી અને આંગણામાં જ અસલી ટૉય ટ્રેન તૈયાર કરી દીધી હતી.
જેમ સ્ટીમ એન્જિનમાં ઈંધણ માટે સતત કોલસો ભઠ્ઠીમાં ભરવો પડે છે એવું જ આ મિની સ્ટીમ એન્જિનમાં પણ કરવું પડે છે. જોકે ભઠ્ઠીની જગ્યા નાની છે એટલે કોલસાની સાઇઝ પણ નાની રાખવી પડે છે. ઍલેક્સભાઈ ટ્રેનમાં બેઠા હોય ત્યારે સતત એક હાથે થોડો-થોડો કોલસો એન્જિનમાં ઓરતા રહે છે. અને હા, આ સ્ટીમ એન્જિન રિયલ સિટી પણ વગાડે છે.