26 October, 2024 02:53 PM IST | Kuala Lumpur | Gujarati Mid-day Correspondent
નુરુલ સયાઝવાનીનાં ૨૦૧૬માં લગ્ન થયાં હતાં
મલેશિયામાં ‘જશને માથે જૂતિયાં’ જેવી એક ઘટના બની છે. નુરુલ સયાઝવાનીનાં ૨૦૧૬માં લગ્ન થયાં હતાં. લગ્નનાં બે વર્ષ પછી એક કાર-અકસ્માત થયો અને એમાં તેનો પતિ પથારીવશ થઈ ગયો. પત્ની નુરુલે પતિની સેવા કરવામાં જીવ રેડી દીધો. પતિની સારસંભાળને જ લક્ષ્ય બનાવી દીધું હતું. સળંગ ૬ વર્ષ સુધી નુરુલે પતિની સેવાચાકરી કરી. પથારીવશ પતિને નાસોગેસ્ટ્રિક ટ્યુબથી ખવડાવવું, તેનાં ડાયપર બદલવાં, નવડાવવું સહિતનાં બધાં કામ તે કરતી. ૬ વર્ષની તેની સેવાના પરિણામે પતિ સ્વસ્થ થઈ ગયો, પણ નુરુલનો આનંદ શોકમાં પલટાઈ ગયો કારણ કે સાજા થયા પછી પતિએ તેને તલાક આપીને બીજા નિકાહ કરી લીધા હતા. પતિની સેવા કરવાનો અનુભવ નુરુલ સોશ્યલ મીડિયામાં કહેતી હતી એ જ રીતે પતિના બીજા નિકાહની જાહેરાત પણ તેણે સોશ્યલ મીડિયામાં કરી હતી. તેણે પતિની બીજી પત્ની સાથેનો ફોટો પોસ્ટ કરીને ગુસ્સે થવાને બદલે શુભેચ્છા પાઠવી હતી. બીજી પત્નીને સલાહ આપી હતી કે તું પણ મારી જેમ જ પતિનું ધ્યાન રાખજે.