ગળામાં સાંકળ અને તાળા સાથે ઘરમાંથી ભાગીને પોલીસ-સ્ટેશન પહોંચી મહિલા

17 June, 2026 01:40 PM IST  |  Rajgarh | Gujarati Mid-day Correspondent

આરોપી સરદાર સિંહ તંવર દારૂના નશામાં ઘરે આવ્યો અને નાનકડી વાતે ઉશ્કેરાઈને તેણે પત્ની માંગીબાઈને લાકડીથી માર માર્યો હતો

આ ઘટના ૧૦ જૂનની છે

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના છીપીપુરા ગામમાં ડોમેસ્ટિક વાયલન્સનો એક બેહદ ક્રૂર કિસ્સો સામે આવ્યો છે. ભોજન પીરસવામાં મોડું થતાં ગુસ્સે થયેલા પતિએ પહેલાં તો પત્નીને બેરહેમીથી ખૂબ મારી હતી અને એ પછી તેને સાંકળથી બાંધી દીધી હતી. આ ઘટના ૧૦ જૂનની છે. આરોપી સરદાર સિંહ તંવર દારૂના નશામાં ઘરે આવ્યો અને નાનકડી વાતે ઉશ્કેરાઈને તેણે પત્ની માંગીબાઈને લાકડીથી માર માર્યો હતો. વાત માત્ર જમવાનું સર્વ કરવામાં મોડું થયાની જ હતી. એ પછી તો તેણે મહિલાના ગળામાં લોખંડની સાંકળ બાંધીને એને તાળું લગાવી દીધું. આ સાંકળ તેના જ ઘરના આંગણામાં આવેલા થાંભલે બાંધી દીધી હતી. આટલું ઓછું હોય એમ તેણે લોખંડનો સળિયો ગરમ કરીને એનાથી માંગીબાઈના પગ, કમર અને શરીરના અન્ય ભાગોમાં ડામ પણ આપ્યા હતા. માંગીબાઈ ચિલ્લાતી હોવાથી મોંમાં કપડું ખોસી દીધું. જ્યારે સરદાર સિંહ પત્નીને ઢોરમાર મારીને થાક્યો એટલે ઘરમાં જઈને સૂઈ ગયો. લગભગ ૨૪ કલાક સુધી માંગીબાઈ થાંભલે બંધાયેલાં રહ્યાં અને પછી કોઈક રીતે સાંકળ થાંભલેથી છોડાવીને ઘરેથી ભાગી નીકળ્યાં. ગળામાં સાંકળ અને લગાવેલા તાળા સાથે માંગીબાઈ છ કિલોમીટર ચાલીને નજીકના પોલીસ-સ્ટેશન પહોંચ્યાં હતાં. પોલીસે પહેલાં તો તેમની મેડિકલ તપાસ કરાવી હતી અને પછી ફરિયાદ નોંધીને પતિ સરદાર સિંહની ધરપકડ કરી હતી. 

madhya pradesh offbeat news national news news