05 July, 2026 02:32 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પોલીસની ૩ ટીમો કોઈ બદમાશને શોધવા માટે નહીં પરંતુ પાંચ મહિનાથી ગુમ થયેલા લડ્ડુ ગોપાલને શોધવામાં લાગી છે. ગ્વાલિયરનાં વિજયા શર્મા નામનાં બહેન ૨૯ જાન્યુઆરીએ માર્કેટમાં શૉપિંગ કરવા નીકળ્યાં હતાં. એ વખતે તેમને લડ્ડુ ગોપાલ એટલે કે નાનકડા કાનુડાનાં કપડાં પણ લેવાં હતાં એટલે એ મૂર્તિ પણ સાથે હતી. જોકે એ દરમ્યાન લડ્ડુ ગોપાલની મૂર્તિ ક્યાંક ગાયબ થઈ ગઈ. ખૂબ શોધ્યા પછી પણ એનો કોઈ અતોપતો લાગ્યો નહીં. આખરે તેમણે પોલીસમાં ફરિયાદ કરી. વિજયા શર્માને આ લડ્ડુ ગોપાલ તેમનાં નાની તરફથી મળ્યાં હતાં. આ માત્ર ભગવાનની મૂર્તિ જ નહોતી, પરંતુ તેમના માટે પરિવારના એક સદસ્ય સમાન હોવાથી તે હંમેશાં લડ્ડુ ગોપાલને સાથે રાખતાં હતાં. વિજયાની આસ્થા અને દુખને જોઈને ગ્વાલિયરની પોલીસે ૩ પોલીસ-સ્ટેશનોની સંયુક્ત સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને લડ્ડુ ગોપાલની તલાશ શરૂ કરી છે.