12 July, 2025 02:31 PM IST | Vrindavan | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
વૃંદાવનમાં એક મંદિરમાં પૂજા કરવા ગયેલા પરિવારે તેમના પાંચ વર્ષના લૅબ્રૅડોરને કારમાં રાખી દીધો હતો, પણ ખુલ્લા રસ્તામાં ભારે ગરમીમાં પાર્ક કરેલી કારમાં ગૂંગળામણ થવાથી આ શ્વાનનું મૃત્યુ થયું હતું. કારની અંદર સંઘર્ષ કરતા શ્વાનનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. સુરક્ષા ગાર્ડે શ્વાનને સાથે લઈ જવાની સલાહ આપી હોવા છતાં પરિવારે કહ્યું હતું કે શ્વાન સૂઈ ગયો છે. તેમણે વેન્ટિલેશન માટે બારી થોડી ખુલ્લી રાખી હતી. જોકે બપોરની ગરમી વધુ તીવ્ર બનતાં આસપાસના લોકોએ શ્વાનના રડવાનો અવાજ સાંભળ્યો હતો.
કારની આસપાસ એક ટોળાએ એકત્રિત થઈને શ્વાનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. વિડિયોમાં દેખાય છે કે શ્વાન ડ્રાઇવરની સીટ નીચે ફસાયેલી અવસ્થામાં હતો અને હલનચલન કરવામાં અસમર્થ હતો. એ જીભ બહાર કાઢીને હવા માટે હાંફતો જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ બારી તોડવાની વિનંતી કરી હતી. મેકૅનિકને બોલાવવામાં આવ્યો હતો. લગભગ ૪૫ મિનિટ પછી દરવાજો ખોલવામાં આવ્યો ત્યાં સુધીમાં તો શ્વાન ગૂંગળામણથી મરી ગયો હતો.