આ મ્યુઝિયમ નહીં, ‌બ્રિટિશ આર્ટિસ્ટનું ઘર છે જેને હવે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે

18 April, 2024 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલાકારની ભત્રીજીએ આ ઘરના સંરક્ષણ માટે પહેલ કરી અને જગ્યાને ‘રોન્સ પ્લેસ’ નામ આપ્યું.

આર્ટિસ્ટ રોન ગિટિન્સનું ઘર

બ્રિટનમાં એક આર્ટિસ્ટના ઘરને ૧૯ માર્ચે ગ્રેડ-ટૂ પ્રોટેક્શન સ્ટેટસ આપવામાં આવ્યું હતું, કારણ કે આ ઘર કલાકારીને લીધે એક સંગ્રહાલયમાં તબદીલ થઈ ગયું છે. આર્ટિસ્ટ રોન ગિટિન્સનું ૨૦૧૯માં ૮૦ વર્ષની વયે અવસાન થયું એ પછી તેમની વિશિષ્ટ ક્રીએટિવિટી વિશે લોકોને જાણ થઈ હતી. કલાકારની ભત્રીજીએ આ ઘરના સંરક્ષણ માટે પહેલ કરી અને જગ્યાને ‘રોન્સ પ્લેસ’ નામ આપ્યું.

રોન ગિટિન્સ આ ઘરમાં રહેતા હતા ત્યારે મકાનમાલિકની પરવાનગી લઈને તેમણે શેક્સપિયરિયન થિયેટર, પ્રાચીન રોમન અને ઇજિપ્ત ઇતિહાસમાં પોતાની કલ્પનાશક્તિ ઉમેરીને આખું ઘર વિવિધ મ્યુરલ, સ્ક્લ્પ્ચર અને મિક્સ્ડ મીડિયા આર્ટવર્કથી ભરી નાખ્યું હતું. એમાં વિશાળ સિંહના મુખમાં બનાવેલી સગડી, દીવાલ પરનું કૉમ્પ્લેક્સ પેઇન્ટિંગ અને કાગળના બનેલા માણસનો સમાવેશ છે. ગિટિન્સે અપાર્ટમેન્ટના મુખ્ય હૉલવેમાં ફ્લોરથી છત સુધી પ્રાચીન ઇજિપ્શિયન મોટિફ પણ દોર્યાં હતાં. ગિટિન્સના આ મ્યુઝિયમ જેવા ઘરને હવે સામાન્ય લોકો જોઈ શકે એ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

offbeat videos offbeat news great britain