નૉર્થ કોરિયામાં આઇસક્રીમ શબ્દ નહીં વાપરવાનો, એસીયુકિમો કહેવાનું

17 September, 2025 12:22 PM IST  |  Pyongyang | Gujarati Mid-day Correspondent

કિમ જૉન્ગ ઉને આઇસક્રીમ, હૅમ્બર્ગર અને કૅરીઓકે જેવા શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે

કિમ જૉન્ગ ઉન

નૉર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જૉન્ગ ઉને આઇસક્રીમ, હૅમ્બર્ગર અને કૅરીઓકે જેવા શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. કિમ જૉન્ગ ઉનને લાગે છે કે આ શબ્દનો સાઉથ કોરિયન અથવા વિદેશી પ્રભાવ છે એટલે એને હટાવવામાં આવે. આ આઇસક્રીમને બદલે નૉર્થ કોરિયાના લોકોએ હવે ‘એસીયુકિમો’ અથવા ‘ઇયૂરિયુંબોસેઉંગી’ (જેનો અર્થ બરફમાંથી બનેલી મીઠાઈ થાય છે) કહેવું પડશે. હૅમ્બર્ગરને હવે ‘ડબલ બ્રેડ વિથ ગ્રાઉન્ડ બીફ’ એટલે કે ‘દાજિન ગોગી ગ્યોંગપ્પાંગ’ કહેવાશે. આ સિવાય ‘કૅરીઓકે’ મશીનને ‘ઑન-સ્ક્રીન એકમ્પેનમેન્ટ’ મશીન કહેવામાં આવશે.

સરમુખત્યાર કિમ જૉન્ગ ઉને નૉર્થ કોરિયામાં આઇસક્રીમ અને હૅમ્બર્ગર જેવા સરળ શબ્દોને બદલે રાજ્ય-માન્યતાપ્રાપ્ત શબ્દોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. આ માટે એક ટ્રેઇનિંગ ઍકૅડેમી ખોલવામાં આવી છે જેમાં ટૂરિઝમ ક્ષેત્રમાં કામ કરતા ગાઇડ્સને અંગ્રેજી શબ્દો ટાળવા અને સ્થાનિક શબ્દભંડોળ અપનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. તેમને કહેવામાં આવ્યું છે કે તેમણે ટૂરિસ્ટોને પણ નૉર્થ કોરિયાના શબ્દો શીખવવાના રહેશે. આ નીતિનો ઉદ્દેશ માત્ર ભાષાને નિયંત્રિત કરવાનો નથી, પણ સમાજને બાહ્ય સાંસ્કૃતિક પ્રભાવથી દૂર રાખવાનો પણ છે.
એસીયુકિમો શબ્દ આર્કટિક ક્ષેત્રમાં રહેતા લોકો પાસેથી લેવામાં આવ્યો છે. અલાસ્કા, કૅનેડા, ગ્રીનલૅન્ડ અને સર્બિયાના બરફાળ પ્રદેશમાં રહેતા લોકોને એસ્કિમો નામથી ઓળખવામાં આવે છે. જોકે એસ્કિમો શબ્દ પણ અંગ્રેજી ભાષામાંથી આવ્યો છે.

north korea offbeat news international news world news