07 June, 2025 02:55 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેરલાના કાસરગોડ ગામમાં ૬૨ વર્ષના બાબુ મલોમ નામના બુઝુર્ગ પર તેમના જ ગામમાં રહેતા અને એક સમયે તેમના ખૂબ અચ્છા દોસ્ત હતા એવા બાલકૃષ્ણનન અને મૅથ્યુ નામના બે સમવયસ્કોએ હુમલો કરીને તેમના દાંત તોડી નાખ્યા હતા. નવાઈની વાત એ છે કે તેમણે બાવન વર્ષ પહેલાં થયેલા વિવાદના મુદ્દે મારપીટ કરી હતી. આ ત્રણેય વ્યક્તિ એક જ સ્કૂલમાં ભણતી હતી અને બાળપણમાં તેમની વચ્ચે જિગરજાન દોસ્તી હતી. જોકે ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે એક બાબતે તેમની વચ્ચે લડાઈ થઈ ગયેલી. એ પછીથી તેમની વચ્ચે દરાર પડી ગયેલી.
ત્રણેય એક જ મોહલ્લામાં રહે છે અને આટલાં વર્ષો દરમ્યાન પણ એ ઝઘડાને લઈને તેમની વચ્ચે બોલાચાલી થતી રહી હતી. જોકે થોડા દિવસ પહેલાં બાબુ એક હોટેલની બહાર ઊભા હતા ત્યારે પેલા બે દોસ્તો અચાનક આવ્યા અને તેમની સાથે પહેલાં જીભાજોડીમાં ઊતર્યા અને પછી ગડદાપાટુ પર ઊતરી આવ્યા. એમાં બાબુભાઈના દાંત તૂટી ગયા અને ચહેરા-પીઠ પર ઈજા થઈ હતી. તેમની હાલત ગંભીર હોવાથી હૉસ્પિટલમાં ભરતી કરવા પડ્યા હતા. આટલું થયા પછી પણ બાબુભાઈ તેમનો હૉસ્પિટલનો ખર્ચો તેઓ ઉપાડી લે તો કેસ કરવા નહોતા માગતા, પરંતુ સ્થાનિક પોલીસે આ મામલે દખલઅંદાજી કરીને બે દોસ્તો સામે ગંભીર ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.