06 October, 2026 03:38 PM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
પહેલી નજરે એવું જ લાગે કે આ કોઈ મૉડલ છે જે ખેડૂતના અવતારમાં પોઝ આપી રહ્યો છે
ઝારખંડમાં નિશાંત કેરકેટ્ટા નામનો ખેડૂત સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ગામની જિંદગીમાં મૉડર્ન ફૅશન અપનાવીને નિશાંતે પડાવેલા કેટલાક ફોટોગ્રાફ્સ ઇન્ટરનેટ પર તેને જબરી ફેમ અપાવી રહ્યા છે. પહેલી નજરે એવું જ લાગે કે આ કોઈ મૉડલ છે જે ખેડૂતના અવતારમાં પોઝ આપી રહ્યો છે, પરંતુ હકીકતમાં આ ખેડૂત છે જેને સોશ્યલ મીડિયામાં લોકો જેન ઝીની ભાષામાં ‘ઑરા ફાર્મર’ કહી રહ્યા છે. અનાજનાં ખેતરોના બૅકડ્રૉપમાં નિશાંતે પડાવેલા ફોટોગ્રાફ્સ ખૂબ વાઇરલ થયા છે. બૉલીવુડ ઍક્ટ્રેસ ભૂમિ પેડણેકર અને શિબાની દાંડેકર પણ તેના ફૅન છે. નિશાંતની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ રીલમાં તેણે ‘ઇન્ડિયન ફાર્મર સ્ટાર્ટિંગ ફૅશન’ શીર્ષક આપ્યું છે. તે ગામના ખેતરમાં ખુલ્લા પગે માટીમાં કૅમેરા તરફ ચાલતો દેખાય છે. બીજ વેરવા માટે તેના હાથમાં એક વાંસની ટોપલી છે અને શર્ટલેસ થઈને તે જે સાદગીવાળી સ્ટાઇલમાં ચાલે છે એ લોકોને બહુ ગમ્યું છે. તેનું કસાયેલું શરીર પણ તેને મૉડલ જેવો લુક આપે છે. આ માણસ ફૅશન માટે ખેડૂત નથી બન્યો, પણ ખેડૂત હોવાની સાથે ફૅશનેબલ છે. તેનું ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ જુઓ તો સામાન્ય ખેડૂત જેવું નથી. જાણે મેન્સવેઅર મૉડલનો પોર્ટફોલિયો હોય એવું લાગે છે. પાછળ માટીનું ઘર, આંગણું, મોટું વૃક્ષ, નદીનો કિનારો બૅકડ્રૉપમાં રાખીને તેણે સાદા કપડાં પણ જબ્બર સ્ટાઇલમાં રજૂ કર્યાં છે.