અજાણતાં જ જવાહરલાલ નેહરુની ‘પત્ની’ બની ગયેલી બુધનીનું અવસાન

22 November, 2023 09:10 AM IST  |  Jharkhand | Gujarati Mid-day Correspondent

જવાહરલાલ નેહરુ ઝારખંડના ધનબાદ જિલ્લામાં આવેલા એક ગામમાં ડૅમનું ઉદ્ઘાટન કરવા ગયા હતા ત્યારે તેમને ખબર નહોતી કે અજાણતાં જ તેઓ એક આદિવાસી સ્ત્રી સાથે લગ્ન કરી બેસશે.

બુધની

૧૯૫૯માં ત્યારના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ ઝારખંડના ધનબાદ જિલ્લામાં આવેલા એક ગામમાં ડૅમનું ઉદ્ઘાટન કરવા ગયા હતા ત્યારે તેમને ખબર નહોતી કે અજાણતાં જ તેઓ એક આદિવાસી સ્ત્રી સાથે લગ્ન કરી બેસશે.

બન્યું હતું એવું કે જવાહરલાલ નેહરુ ડૅમનું ઉદ્ઘાટન કરવા ગયા ત્યારે ત્યાં સ્થાનિક લોકો ભેગા થયા હતા, જેમાં ૧૬ વર્ષની એક આદિવાસી છોકરી પણ સામેલ હતી. ઉદ્ઘાટનના પ્રસંગે જવાહરલાલ નેહરુએ ઔપચારિકતા ખાતર બાજુમાં ઊભેલી બુધની નામની છોકરીના ગળામાં હાર પહેરાવી દીધો હતો. હાર પહેરાવવાની આ ઘટના બુધની માટે આપત્તિજનક બની ગઈ હતી, કારણ એ હતું કે બુધની સંથાલી આદિવાસી ટ્રાઇબની સભ્ય હતી અને આ આદિવાસી જાતિમાં એવો રિવાજ છે કે જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને હાર પહેરાવે તો તેની સાથે તેનાં લગ્ન થઈ ગયાં એવું માનવામાં આવે. આ રીતે જવાહરલાલ નેહરુ સાથે બુધનીનાં લગ્ન થઈ ગયાં એવું એ આદિવાસી જાતિના લોકો માનવા માંડ્યા.

વધુ તકલીફ ત્યારે થઈ જ્યારે આદિવાસી જાતિના લોકોએ એવું નક્કી કર્યું કે બુધનીએ સમાજ બહારના પુરુષ સાથે લગ્ન કર્યાં છે એટલે તેને સમાજની બહાર હાંકી કાઢવી જોઈએ. હકીકતમાં બુધનીને ડૅમના ઉદ્ઘાટન સાથે દામોદર વૅલી કૉર્પોરેશન (ડીવીસી)માં નોકરી પણ મળી હતી. ૧૯૬૨માં બુધનીની નોકરી ચાલી ગઈ એટલે તે બંગાળના પુરુલિયા ગામમાં જતી રહી અને ત્યાં સુધીર દત્તા નામના એક કૉન્ટ્રૅક્ટરે તેને સહારો આપ્યો અને તેણે તેની સાથે લગ્ન પણ કર્યાં. ૧૯૮૫માં ત્યારના વડા પ્રધાન રાજીવ ગાંધીએ આ સ્થળની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક રાજકારણીઓએ તેમને બુધનીની જીવનકથની વિશે માહિતગાર કર્યા હતા. રાજીવ ગાંધીએ બુધનીને ડીવીસીમાં ફરીથી નોકરી અપાવી અને આ રીતે બુધની ૨૦૦૫ સુધી નોકરી કરતી રહી અને પછી નિવૃત્ત થઈ.
હાલમાં બુધનીનું ૮૦ વર્ષની ઉંમરે અવસાન થયું છે. એને પગલે સ્થાનિક રાજકારણીઓ એવી માગણી કરી રહ્યા છે કે બુધનીની ૬૦ વર્ષની પુત્રી રત્ના તથા તેના પૌત્ર બાપીને ઘર આપવામાં આવે.  કેટલાક રાજકારણીઓએ એવી પણ માગણી કરી છે કે બુધનીનું સ્મારક બનાવવામાં આવે.

jawaharlal nehru jharkhand offbeat news national news