10 July, 2026 10:54 AM IST | Tokyo | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મોટા ભાગની રેસ્ટોરાં પેટની ભૂખ સંતોષવા માટે હોય છે, પરંતુ કેટલીક એવી રેસ્ટોરાંઓ પણ છે જે ફૂડ કરતાં વધુ એક્સ્પીરિયન્સને વધુ મહત્ત્વ આપે છે. ક્યાંક અંધારામાં ખાવાનું પિરસાય છે, ક્યાંક રોબો દ્વારા સર્વ થાય છે તો ક્યાંક ટૉઇલેટના કમોડ જેવી ચૅર પર અને કમોડ જેવા વાસણમાં ખાવાનું સર્વ થાય છે. જોકે જપાનમાં એક અલગ જ થ્રિલ અને ઍડવેન્ચર કરાવે એવી રેસ્ટોરાં છે જેમાં તમને બે પ્રકારનાં મેનુ આપવામાં આવે છે. એકમાં તમને ખાવાની વાનગીઓના ઑપ્શન્સ મળે છે અને બીજામાં તમે કોની સાથે ખાશો એના વિકલ્પો. આ કમ્પૅનિયનના વિકલ્પોમાં વિવિધ પ્રકારના સાપ હોય છે. તમને ફૂડ સર્વ કરવાની સાથે તમે પસંદ કરેલી પ્રજાતિનો સાપ કે અજગર પણ તમારા ટેબલ પર મૂકી દેવામાં આવે. આ સાપ કે અજગર અસલી હોય છે. તમે ખાતા હો ત્યારે તમારા ટેબલ પર ફરતાં-ફરતાં એ સાપ તમારા હાથ, પગ કે ખોળામાં પણ ચડી જઈ શકે. જીવતા સાપ સાથે ખાવાની થ્રિલ આપતી આ રેસ્ટોરાંમાં લોકો ખાવા માટે ઓછું પણ સાપને રમાડવા અને સાપ સાથે જમવાની થ્રિલ લેવા માટે આવે છે. આ સાપોનાં દાંત અને ઝેર કાઢી નાખેલાં હોય છે એટલે એ તમને બટકું ભરે કે ડસે એવી સંભાવના નથી હોતી. એમ છતાં જો ખૂબ ડર લાગતો હોય તો એ સાપને તમે કાચના બૉક્સમાં ટેબલ પર મૂકીને જમવાનો ઑપ્શન પણ પસંદ કરી શકો છો.