06 October, 2025 10:28 AM IST | Japan | Gujarati Mid-day Correspondent
સેકન્ડરી સ્કૂલમાં ભણવાનું પૂરું થયું ત્યારથી તેઓ કામ કરવા લાગ્યા
જપાનના લોકો બહુ મહેનતુ છે એ તો સૌ જાણે છે. જોકે તેઓ પૂરતા પૈસા હોવા છતાં એશઆરામમાં વહી જતા નથી એ પણ તેમની લાક્ષણિકતા છે. સાઉથ ચાઇના મૉર્નિંગની સોશ્યલ મીડિયા પોસ્ટમાં જપાનના ટોક્યોમાં રહેતા ૫૬ વર્ષના કોઇચી મસ્તુબારાની કહાણી છે. કોઇચીભાઈ તેમની પાસેની પ્રૉપર્ટીઓને રેન્ટ પર આપીને તેમ જ રોકાણ કરેલા પૈસામાંથી વ્યાજપેટે વર્ષે બે કરોડ રૂપિયા રળી લે છે. એમ છતાં તેમણે પોતાનું એક બિલ્ડિંગના ચોકીદાર તરીકેનું કામ બંધ નથી કર્યું. તેઓ આ બિલ્ડિંગની સફાઈનું કામ કરે છે અને વીકમાં ૩ દિવસ રોજ ૪ કલાક ચોકીદારીનું કામ કરે છે. એ માટે તેમને મહિને એક લાખ યેન એટલે કે લગભગ ૬૦,૦૦૦ રૂપિયા મળે છે. કોઇચીભાઈનો જન્મ એક સાધારણ પરિવારમાં થયો હતો અને તેમનું કહેવું છે કે તેઓ હંમેશાં સાદી જીવનશૈલીમાં જ માને છે. તેઓ ફાલતુ લક્ઝરીથી દૂર જ રહેવા માગે છે એટલે તેમણે ચોકીદારનું કામ છોડ્યું નથી. સેકન્ડરી સ્કૂલમાં ભણવાનું પૂરું થયું ત્યારથી તેઓ કામ કરવા લાગ્યા હતા અને ત્યારથી તેમણે કમાણીમાંથી ૭૦ ટકા રકમ બચાવવાનું શરૂ કર્યું હતું જેને કારણે તેમની પાસે ઘણી પૂંજી જમા થઈ ગઈ છે. એમ છતાં હજીયે તેઓ પૈસા ખર્ચવામાં એટલા જ કરકસરિયા છે અને સાદગીપૂર્વકનું જીવન જીવે છે.