16 June, 2025 12:13 PM IST | Italy | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
કંઈ પણ નવું, જુદું અને અનોખું જોઈએ એટલે તરત જ એની સાથે એક સેલ્ફી લેવાની ઇચ્છા આજકાલ બધાને થવા લાગી છે. જોકે ક્યારે અને ક્યાં સેલ્ફી ન લેવાય એનું ભાન નથી પડતું. એક સહેલાણીના ફોટો લેવાના આવા જ અભરખાએ ઇટલીના એક મ્યુઝિયમમાં મુકાયેલી એક અણમોલ ચીજને બગાડી નાખી. વાત એમ છે કે ઇટલીના એક મ્યુઝિયમમાં નિકોલા બોલા નામના એક ઇટાલિયન કલાકારે બનાવેલી રિયલ સાઇઝની હીરાજડિત ખુરસી મૂકવામાં આવી હતી. આ ખુરસીનું નામ વાન ગૉઘ ચૅર રાખવામાં આવેલું, કેમ કે આ પ્રકારની ચૅર વાન ગૉઘનાં પેઇન્ટિંગ્સમાં અવારનવાર દેખાતી જોવા મળી હતી.
થોડા દિવસ પહેલાં એક કપલે મ્યુઝિયમમાં આ ખુરસી સાથે સેલ્ફી પડાવવાની હોંશમાં એના ટુકડેટુકડા કરી નાખ્યા હતા. પહેલાં કપલમાંથી મહિલાએ જાણે તે ખુરસીમાં બેઠી હોય એવા પૉઝ સાથે ફોટો પડાવેલો. જોકે તેણે પોતાના શરીરનો ભાર ખુરસી પર આવવા દીધો નહોતો. જોકે જ્યારે કપલમાંથી ભાઈનો વારો આવ્યો ત્યારે ગરબડ થઈ ગઈ. તે ભાઈ ઉભડક બેસવા ગયા, પણ એમ કરતાં તેનું સંતુલન ખોરવાયું અને તેણે નજીકની દીવાલનો સહારો લેવાની કોશિશ કરી. એમ છતાં તેનું વજન ખુરસી પર આવી જ ગયું અને ખુરસી સહિત તે જમીન પર પડ્યા. ખુરસી તૂટી ગઈ એટલે કપલ ત્યાંથી ચૂપચાપ બાકીનું મ્યુઝિયમ જોયા વિના જ ભાગી ગયું. જોકે આ ઘટના ત્યાં લાગેલા કૅમેરામાં કેદ થઈ ગયેલી.
સહેલાણીઓ નીકળી ગયા હતા એટલે તેમને દંડ તો થઈ શકે એમ નહોતો. જોકે તેમણે CCTV કૅમેરાની ક્લિપ સોશ્યલ મીડિયામાં શૅર કરીને આ લોકોએ સ્વરોવ્સ્કી હીરાજડિત ચૅર તોડી નાખી હોવાની જાહેરાત કરી હતી. ચૅરના મૂળ આર્ટિસ્ટે જોકે તરત જ એના પર સમારકામ કરીને એને લગભગ પહેલાં જેવી કરી નાખી છે.