29 August, 2026 04:58 PM IST | Italy | Gujarati Mid-day Correspondent
બ્લુ કરચલાનો આતંક વધતાં ઇટલીના સમુદ્રકિનારે ૧.૩૦ લાખ ઑક્ટોપસની ફોજ ઉતારવામાં આવી
ઇટલીમાં બ્લુ ક્રૅબને કારણે સમુદ્રમાં ભારે તબાહી મચી રહી છે. આ કરચલા ખૂબ ખતરનાક હોય છે અને એની વસ્તી ખૂબ જ તેજ ગતિએ વધી રહી છે. આ કરચલાને કારણે માછલીઓની સંખ્યા સમુદ્રના કિનારાના વિસ્તારોમાંથી ઘટી ગઈ છે અને એને કારણે ઇટલીને ૨૦૦ મિલ્યન યુરો એટલે કે લગભગ ૨૨૨૪ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. આ સમસ્યાને નાથવા માટે ઇટલીએ સમુદ્રશાસ્ત્રીઓને કામે લગાડ્યા છે. બ્લુ કરચલા મૂળે ઍટલાન્ટિક મહાસાગરના રહેવાસી છે, પરંતુ ધીમે-ધીમે એ ઇટલીના કિનારાઓમાં આવીને વસ્યા છે અને હવે એની સંખ્યા દિવસે ન વધે એટલી રાતે વધે છે. બોલોગ્ના યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ આ માટે ઑક્ટો-બ્લુ પ્રોજેક્ટ નામનો તોડ કાઢ્યો છે. બ્લુ ક્રૅબની સામે સમુદ્રમાં લાખોની સંખ્યામાં ઑક્ટોપસ છોડવામાં આવ્યા છે. ઑક્ટોપસનો ખોરાક ક્રૅબ હોય છે અને એ એક દિવસમાં ચારેક ક્રૅબ પકડીને ખાઈ શકે છે. સમુદ્રમાં ઉતારેલી ઑક્ટોપસ આર્મી અત્યારે પ્રયોગાત્મક ધોરણે બે શહેરોના સમુદ્રકિનારે તહેનાત કરવામાં આવી છે. જો એ સફળ થશે તો અન્ય દરિયાકિનારાઓમાં પ્રોજેક્ટ ફેલાવવામાં આવશે.