મહિલાના પેટમાંથી ૫૦ બૅટરી સેલ કાઢવામાં આવ્યા

19 September, 2022 11:10 AM IST  |  Dublin | Gujarati Mid-day Correspondent

ડૉક્ટરોએ જણાવ્યા અનુસાર પોતાની જાતને નુકસાન પહોંચાડવાના કિસ્સામાં ૫૫ બૅટરી ગળી જવી એ એક વિક્રમી ઘટના છે.

મહિલાના પેટમાંથી ૫૦ બૅટરી સેલ કાઢવામાં આવ્યા

રિપબ્લિક ઑફ આયરલૅન્ડની રાજધાની ડબ્લિનમાં સેન્ટ વિન્સેન્ટ્સ હૉસ્પિટલમાં સર્જ્યનની ટીમે ૬૬ વર્ષની એક મહિલાના પેટ અને મોટા આંતરડામાંથી ૫૦ બૅટરી સેલ કાઢ્યા હતા.
હૉસ્પિટલમાં દાખલ થયાના થોડા સમયમાં તેણે વધુ પાંચ ‘એએ’ બૅટરી સેલ ગળી જતાં તેના પેટમાંની બૅટરી સેલની સંખ્યા ૫૫ થઈ હતી. ડૉક્ટરોએ જણાવ્યા અનુસાર પોતાની જાતને નુકસાન પહોંચાડવાના કિસ્સામાં ૫૫ બૅટરી ગળી જવી એ એક વિક્રમી ઘટના છે.

હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં પેશન્ટનો એક્સ-રે કાઢવામાં આવતાં એમાં અનેક બૅટરી સેલ જોવા મળ્યા હતા. આ પ્રક્રિયામાં બૅટરી સેલને નુકસાન પહોંચ્યું નહોતું. મહિલાના પેટમાં પહોંચેલી ‘એએ’ અને ‘એએએ’ બૅટરીએ પાચનક્રિયામાં અવરોધ સર્જતાં મહિલાએ પેઢુમાં દુખાવો અને ભૂખ ન લાગવાની ફરિયાદ કરી હતી. 

મહિલાના પેટમાંની એ ચીજો દૂર કરવા સર્જરી કરવાનો નિર્ણય લેવાયો હતો. એ દરમ્યાન પેશન્ટના પેઢુમાં સોજો આવ્યો હોવાનું જણાયું હતું. સર્જ્યનની ટીમે મહિલાના પેટમાંથી ૪૬ બૅટરી સેલ કાઢ્યા હતા, જ્યારે બાકીના ૪ સેલ દૂધ પિવડાવીને તેના આંતરડામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 

offbeat news viral videos ireland international news dublin