20 May, 2024 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નૅન્સી ત્યાગી
ફ્રાન્સના પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સેલિબ્રિટીઝના આઉટફિટ કોણે ડિઝાઇન કર્યા છે એની ફૅશનરસિયાઓ ખૂબ ચર્ચા કરતા હોય છે. એ દરમ્યાન એક એવી ભારતીય સેલિબ્રિટી છે જેણે કાનની રેડ કાર્પેટ પર પોતે સ્ટિચ કરેલો ગાઉન પહેર્યો હતો. ઉત્તર પ્રદેશની ફૅશન-ઇન્ફ્લુઅન્સર નૅન્સી ત્યાગી પહેલી વાર કાન ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની હતી અને આવતાંની સાથે જ તેણે રેકૉર્ડ કર્યો. તે કાન ફિલ્મ ફેસ્ટિવલના ઇતિહાસમાં પહેલી એવી આર્ટિસ્ટ છે જેણે સેલ્ફ-ડિઝાઇન કરેલો આઉટફિટ પહેર્યો હોય. નૅન્સીએ પહેરેલો સ્ટ્રૅપલેસ પિન્ક ગાઉન ૧૦૦૦ મીટર ફૅબ્રિકમાંથી તૈયાર થયો છે અને એનું વજન ૨૦ કિલોથી વધુ છે. નૅન્સીને આ આઉટફિટ બનાવવામાં ૩૦ દિવસ લાગ્યા હતા. ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના બરનાવા ગામમાં જન્મેલી નૅન્સી બારમું ધોરણ પૂરું કર્યા બાદ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) કોચિંગ માટે દિલ્હી આવી હતી, પણ કોરોનાકાળ તેને કન્ટેન્ટ-ક્રીએશન અને ફૅશનની દુનિયામાં લઈ આવ્યો.