અલગ-અલગ પરિવાર દ્વારા દત્તક લેવાયેલી છોકરીઓ બહેનપણી બની ગઈ, ૩૦ વર્ષ પછી ખબર પડી કે તેઓ સગી બહેનો છે

15 August, 2026 02:50 PM IST  |  Amsterdam | Gujarati Mid-day Correspondent

બન્નેને જ્યારે ખબર પડી કે બન્નેનો જન્મ ભારતમાં થયો છે ત્યારે તેમને એકબીજા સાથે મજાનું કનેક્શન અનુભવાયું

મીના અને મીનલ

૪૦ વર્ષ પહેલાં નેધરલૅન્ડ્સમાં અલગ-અલગ પરિવારો દ્વારા દત્તક લેવાયેલી ભારતીય મૂળની બે બહેનો મીના અને મીનલની કહાની હિન્દી ફિલ્મથી કમ નથી. ભારતમાં જન્મેલી આ બે દીકરીઓને બાળપણમાં જ અનાથાલયમાં છોડી દેવામાં આવી હતી. એ પછી નેધરલૅન્ડ્સના બે પરિવારોએ અલગ-અલગ સમયે તેમને દત્તક લીધી. લગભગ ૩૦ વર્ષ પહેલાં મીના અને મીનલ એક કાર્યક્રમમાં મળી હતી. એ પછી બન્ને ખૂબ સારી દોસ્ત બની ગઈ હતી. બન્નેને જ્યારે ખબર પડી કે બન્નેનો જન્મ ભારતમાં થયો છે ત્યારે તેમને એકબીજા સાથે મજાનું કનેક્શન અનુભવાયું. જોકે એમાં તેમના દેખાવમાં રહેલું સામ્ય જોઈને બન્નેને મનમાં થતું કે નક્કી તેમની વચ્ચે કોઈ ખાસ કનેક્શન છે. તેમની આદતો અને વર્તણૂકનું સામ્ય જોઈને તેમના કૉમન દોસ્તો તેમને રિયલ સિસ્ટર્સ કહેતા હતા. જોકે આ વાત સાચી હશે એની તેમને લગભગ ૩૦ વર્ષ સુધી ખબર ન પડી. વચ્ચે ૧૫ વર્ષ માટે તેમનો સંપર્ક તૂટી ગયો. બન્નેને મોટા થયા પછી તેમનાં સાચાં માતાપિતા શોધવાનું મન હતું. મીનલે ૨૦૨૬ના એપ્રિલમાં માય હેરિટેજ સાઇટના માધ્યમથી ડીઑક્સિરીબો ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરાવીને પરિવારજનોની શોધ આદરી. એમાં તેને ખબર પડી કે મીના તેની સગી બહેન છે. તાજેતરમાં ૧૧ ઑગસ્ટે નેધરલૅન્ડ્સમાં જ બન્ને બહેનો ફરીથી મળી હતી. ૪૦ વર્ષ પછી સંબંધોની સચ્ચાઈ જાણીને બન્ને ખૂબ ભાવુક થઈ ગઈ હતી. એકમેકને ગળે વળગીને પહેલાં તો ખૂબ રડી અને પછી નવા સંબંધનું સેલિબ્રેશન પણ કર્યું.

netherlands offbeat news international news world news news