17 August, 2025 09:03 AM IST | Bangkok | Gujarati Mid-day Correspondent
રૉયલ ડ્રૅગન રેસ્ટોરાં
છેલ્લા થોડાક દિવસથી સોશ્યલ મીડિયામાં એક વિડિયો ફરે છે જેમાં દાવો થઈ રહ્યો છે કે બૅન્ગકૉકની રૉયલ ડ્રૅગન રેસ્ટોરાં એટલી મોટી છે કે અહીં વેઇટર ઝિપલાઇન પર આમથી તેમ ડિશ લઈને સર્વ કરે છે. હા, એ વાત સાચી કે રૉયલ ડ્રૅગન રેસ્ટોરાં વિશ્વની સૌથી મોટી રેસ્ટોરાં હોવાનું બિરુદ ધરાવતી હતી. હતી એટલા માટે કેમ કે એ કાયમી ધોરણે બંધ થઈ ચૂકી છે. આ રેસ્ટોરાંમાં એકસાથે ૫૦૦૦ લોકો સાથે બેસીને જમી શકે એવી વ્યવસ્થા હતી અને ૧૨૦૦ લોકોનો સ્ટાફ તેમને સર્વ કરવા માટે તહેનાત રહેતો હતો. આ રેસ્ટોરાં ૮.૩૫ એકરમાં ફેલાયેલી હતી અને અહીંના વેઇટર્સ કાં તો રોલરસ્કેટ્સ પર અથવા તો ટ્રેડિશનલ થાઇ ડાન્સ પર્ફોર્મન્સ સાથે ઝિપલાઇન પર ટ્રાવેલ કરીને જે-તે ટેબલ પર ફૂડ સર્વ કરતા હતા. માત્ર થાઇ ફૂડ પીરસતી આ રેસ્ટોરાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યા પછી બહુ ઝાઝું ટકી શકી નહોતી. બૅન્ગકૉકના બાંગ નામાં આવેલી આ રેસ્ટોરાંમાં ક્યારેક ઝિપલાઇન પર ફૂડ સર્વ કરવાના પ્રયોગો થયા હતા, પણ એ ઝાઝું ટક્યા નહોતા.