29 October, 2025 11:08 AM IST | Japan | Gujarati Mid-day Correspondent
જપાનમાં ખૂલ્યું રોલ-રિવર્સલ કૅફે: અહીં તમને સર્વન્ટ બનવાનો અનુભવ આપવામાં આવે છે
કોઈ પણ કૅફે કે હોટેલમાં જઈએ એટલે સ્ટાફ, વેઇટર તમને ઝૂકીને આવકારે અને તમે માગો એ સર્વ કરે. આ દૃશ્ય તો દુનિયાભરમાં કૉમન છે, પરંતુ જપાનમાં એક અનોખું પૉપ-અપ કૅફે ખૂલ્યું છે જે તમને સર્વન્ટ બનવાનો મોકો આપે છે. આ રેસ્ટોરાંમાં જઈને તમારે ત્યાંના કર્મચારીઓની સેવા કરવાની. સર્વન્ટનો કૉસ્ચ્યુમ અને ખાસ એપ્રન પહેરીને તમારે ત્યાંના સ્ટાફના મેઇડ તરીકે વર્તવાનું.
વિચારમાં પડી ગયાને? કોઈ હાથે કરીને સર્વન્ટ બનવા જાય? હા, જાય તો ખરા જ, પણ સાથે ૨૫ ડૉલર એટલે કે લગભગ ૨૦૦૦ રૂપિયા ચૂકવે પણ ખરા. આ અનોખા કન્સેપ્ટનું કૅફે ટેમ્પરરી ધોરણે જ ખૂલ્યું છે, પણ સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયું છે. કોઈને સર્વ કરવું એ પણ એક કળા છે અને એમાં પણ સંતોષ મળે છે એ વાતને પ્રોત્સાહન આપવા માટે આ કન્સેપ્ટવાળું કૅફે શરૂ કરવામાં આવ્યું છે. કૅફેના આયોજકોનું કહેવું છે કે આમ તો આ કૅફે સ્ત્રી અને પુરુષો બન્ને માટે ખુલ્લું છે, પરંતુ નવાઈની વાત એ છે કે અત્યાર સુધીમાં પુરુષોએ વધુ ઉત્સાહ બતાવ્યો છે. પુરુષો મેઇડ જેવા પરંતુ સુંદર દેખાય એવાં કૉસ્ચ્યુમ્સ પહેરીને સ્ટાફને ચા-કેક વગેરે સર્વ કરે છે. સ્ટાફમાં કેટલીક સ્ત્રીઓ અત્યંત ધનિક મહિલાની જેમ બિહેવ કરે છે. સર્વન્ટ તરીકે ૯૦ મિનિટ વિતાવ્યા પછી તેઓ એ જ કપડાંમાં ખાસ ફોટોશૂટ કરાવી શકે છે. એ પછી તેઓ તેમને ગમતાં ચા-સ્નૅક્સ ખાઈને નીકળી શકે છે.