11 October, 2026 02:34 PM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ટૉઇલેટની સફાઈની બાબતમાં જપાન અત્યાધુનિક છે. જેવા તમે કમોડ પરથી ઊભા થાઓ અને ઉપરનું ઢાંકણું બંધ કરો એટલે આપમેળે બધું સાફ થઈ જાય અને ગરમ વરાળથી જર્મ-ફ્રી પણ થઈ જાય. ચીન પણ હાઈ-ટેક ટૉઇલેટ્સ બનાવવાની રેસમાં લાગ્યું છે. જોકે અહીં કેટલીક કંપનીઓએ ટૉઇલેટની બહાર ઇન્ડિકેટર્સ વાપરવાનું શરૂ કર્યું છે. મોટી સંખ્યામાં કર્મચારી ધરાવતી કંપનીઓ અને ફૅક્ટરીઓમાં કેટલાક લોકો જરૂર કરતાં લાંબો સમય ટૉઇલેટમાં ગાળતા હોવાથી ચીને આવાં ઇન્ડિકેટર્સ કાઢ્યાં છે. જેવું તમે ટૉઇલેટનું બારણું લૉક કરો ત્યારથી સેકન્ડ્સ કાઉન્ટ થવા લાગે. તમે અંદર કેટલા સમયથી છો એ બહાર ઊભેલી વ્યક્તિને ખબર પડે. કંપનીઓની જેમ હવે જાહેર શૌચાલયોમાં પણ હવે આ ઇન્ડિકેટર્સ મુકાઈ રહ્યાં છે. આવું કરવા પાછળનું કારણ એવું અપાઈ રહ્યું છે કે જો પબ્લિક ટૉઇલેટમાં વેઇટિંગ હોય તો લોકોને કયું ટૉઇલેટ પહેલાં ખાલી થઈ શકે એમ છે એ સમજવામાં મદદ થશે.