હૈદરાબાદની કૅન્સરની હૉસ્પિટલનાં ભૂતપૂર્વ CEOએ ડ્રગ્સ ખરીદવા એક કરોડ રૂપિયાની પ્રૉપર્ટી વેચી દીધી

15 May, 2025 12:06 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

૨૦૨૧-’૨૨ દરમ્યાન તે સ્પેનમાં માસ્ટર ઇન બિઝનેસ ઍડ્‌મિનિસ્ટ્રેશન (MBA)નો અભ્યાસ કરતી હતી ત્યારે કોકેનની વ્યસની બની હતી

ડૉ. નમ્રતા

હૈદરાબાદમાં કૅન્સરની સારવાર માટે જાણીતી ઓમેગા હૉસ્પિટલનાં ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ડૉ. નમ્રતા હૈદરાબાદમાં પાંચ લાખ રૂપિયાનું ૫૩ ગ્રામ કોકેન ખરીદતાં પકડાઈ ગઈ હતી. અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે તેણે ડ્રગ્સ ખરીદવા માટે આશરે એક કરોડની પ્રૉપર્ટી વેચી દીધી હતી. ૨૦૨૧-’૨૨ દરમ્યાન તે સ્પેનમાં માસ્ટર ઇન બિઝનેસ ઍડ્‌મિનિસ્ટ્રેશન (MBA)નો અભ્યાસ કરતી હતી ત્યારે કોકેનની વ્યસની બની હતી. તે પકડાઈ એ દિવસે તેણે ૧૦ વાર કોકેનનો નશો કર્યો હોવાનું જાણવા મળે છે. ડ્રગ્સ ખરીદવા માટે તે મિની કૂપર કારમાં જતી હતી. જોકે ઓમેગા હૉસ્પિટલે સ્પષ્ટતા જાહેર કરીને કહ્યું છે કે ડૉ. નમ્રતા હૉસ્પિટલ સાથે કોઈ પણ રીતે સંકળાયેલી નથી. નમ્રતાની ધરપકડના થોડા દિવસો પહેલાં તેલંગણ ઍન્ટિ-નાર્કોટિક્સ બ્યુરો (TGANB)એ તેના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને તેના પરિવારને જાણ કરી હતી કે તેના પર દેખરેખ રાખવામાં આવી રહી છે. પોલીસે નમ્રતા અને બાલકૃષ્ણ રામપ્યાર રામને ૯ મેએ રંગેહાથ ડ્રગ્સ ખરીદતાં પકડ્યાં હતાં. નમ્રતાએ મુંબઈમાં વંશ ઠક્કર તરીકે ઓળખાતા સપ્લાયર પાસેથી કોકેન ખરીદનાર કુરિયરને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. વંશ ઠક્કર મુંબઈમાં રહેતો ડિસ્ક જૉકી (DJ) છે.

hyderabad offbeat news national news news