પહેલાં હાર્લી ડેવિડસન પર અને હવે દરરોજ ૫૦ લાખની આઉડી કારમાં દૂધ વહેંચે છે

29 April, 2025 12:35 PM IST  |  Faridabad | Gujarati Mid-day Correspondent

હરિયાણાનો અમિત ભાડાના નામનો એક યુવક તેના પૅશન અને બિઝનેસ બન્નેને એકસાથે રાખીને કામ કરે છે. સામાન્ય રીતે દૂધ વેચનારો સાઇકલ, સ્કૂટર કે બાઇક પર કૅન લઈને ફરતો જોયો હશે.

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

હરિયાણાનો અમિત ભાડાના નામનો એક યુવક તેના પૅશન અને બિઝનેસ બન્નેને એકસાથે રાખીને કામ કરે છે. સામાન્ય રીતે દૂધ વેચનારો સાઇકલ, સ્કૂટર કે બાઇક પર કૅન લઈને ફરતો જોયો હશે. જોકે હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના મોહતાબાદ ગામમાં રહેતો અમિત આ બધામાં અલગ છે. તે દરરોજ પોતાની આઉડી કાર લઈને લોકોના ઘરે-ઘરે દૂધ આપવા જાય છે.

તે દરરોજ ૧૨૦ લીટર દૂધ વેચે છે. પહેલાં અમિત બૅન્કમાં જૉબ કરતો હતો, પરંતુ તેને એમાં કંટાળો આવતો હતો એટલે તેણે પોતાનું પૅશન ફૉલો કરવા માટે દૂધ વેચવાનું શરૂ કર્યું છે. કોરોનાકાળથી તેણે બૅન્કની નોકરી છોડી દીધી છે અને લોકોને દૂધ સપ્લાય કરવાના ભાઈના ધંધામાં જોડાઈ ગયો છે. દૂધવાળો તો ગરીબ જ હોય એવું માનતા હો તો અમિતના કેસમાં ભૂલ થશે. તેની પાસે પહેલાં હાર્લી ડેવિડસન બાઇક હતી એટલે તે એ લક્ઝરી બાઇક પર દૂધ વેચવા જતો હતો. સોશ્યલ મીડિયા પર એનો વિડિયો પણ ખૂબ વાઇરલ થયો હતો. જોકે હવે અમિત લક્ઝરી બાઇકમાંથી લક્ઝરી કારમાં અપગ્રેડ થઈ ગયો છે. તેણે થોડા દિવસ પહેલાં જ આઉડી કાર ખરીદી છે. હવે એ કારમાં દૂધનાં બે કૅન મૂકીને ઘેર-ઘેર દૂધ આપવા જાય છે. અમિતનું કહેવું છે કે પૈસા અને સન્માન મેળવ્યા પછી પણ મને ક્યારેય મનમાં વિચાર નથી આવ્યો કે હવે દૂધ વેચવાનું કામ શું કામ કરું?

haryana chandigarh social media viral videos offbeat videos offbeat news faridabad