સરકારે જમીનનું વળતર ઓછું આપતાં ખેડૂતે હાઇવે પર દીવાલ ચણી લીધી

12 June, 2025 01:21 PM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

૨૦૧૩માં જ કોર્ટે સરકારને ખેડૂતને પૂરતું વળતર આપવાનો અથવા જમીન પાછી આપવાનો નિર્દેશ કર્યો હતો, પરંતુ એ નિર્દેશ પર કામ ન થયું હતું

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

હરિયાણાના એક સ્ટેટ હાઇવે પર બલવિંદર સિંહ અને તેના પાંચ સાથીઓએ મળીને રાતોરાત એક દીવાલ ચણવાનું શરૂ કરી દેતાં ત્યાં ટ્રૅફિક જૅમ થઈ ગયો હતો. પોલીસે ટ્રૅફિક ઘટાડવા માટે વાહનોને નજીકનાં ખેતરોમાં ડાઇવર્ટ કરવાં પડ્યાં હતાં. આ વિસ્તાર હતો કુરુક્ષેત્ર પાસેના પહોવા ગામનો. એક સવારે અચાનક જ રોડની વચ્ચોવચ દીવાલ ચણવાનું કામ શરૂ થઈ ગયેલું. એનું કારણ જાણવા માટે વાહનચાલકોએ બલવિંદર સિંહને પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે ‘આ મારી જમીન છે. તમારે વાહન લઈને જવું હોય તો લોકોના ખેતરમાં થઈને જાઓ.’

નાનાં વાહનો તો ખેતરમાંથી પસાર થઈ ગયાં, પરંતુ મોટાં વાહનો અટકી પડતાં રસ્તો બ્લૉક થઈ ગયો. સ્થાનિક અધિકારીઓ આ જગ્યાએ પહોંચ્યા અને બલવિંદર અને તેના પરિવારજનોને સમજાવવાની કોશિશ કરી, પણ ભાઈસાહેબ ન માન્યા. તેની એક જ રઢ હતી કે સરકાર પહેલાં અમને અમારી જમીનનું પૂરતું વળતર આપે તો જ અહીંથી હટીશું, નહીંતર અમારી જમીન અમને પાછી જોઈએ છે. આ બાબતે ઑલરેડી ૧૨ વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. ૨૦૧૩માં જ કોર્ટે સરકારને ખેડૂતને પૂરતું વળતર આપવાનો અથવા જમીન પાછી આપવાનો નિર્દેશ કર્યો હતો, પરંતુ એ નિર્દેશ પર કામ ન થયું હોવાથી આખરે થાકીને ખેડૂતે પોતાની રીતે મામલો સુલઝાવવા માટે દીવાલ ચણવાનો રસ્તો અપનાવ્યો હતો.

haryana offbeat news national news news