રિટાયરમેન્ટ પછી પ્યુને ક્રેન પર બેસીને ઑફિસથી વિદાય લીધી

05 July, 2026 02:25 PM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

નિવૃત્તિના ૧૦ દિવસ પહેલાં જ ક્રેન બુક કરી લીધી હતી જેથી એની સફાઈ અને સજાવટ બરાબર કરાવી શકાય

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

હરિયાણાના પાણીપતમાં ૫૮ વર્ષના મહાવીર બાંગડે પોતાના રિટાયરમેન્ટને અનોખા અંદાજમાં યાદગાર બનાવ્યું હતું. મહાવીરની ઇચ્છા હતી કે મોટા ભાગના લોકો નિવૃત્ત થઈને સીધીસાદી વિદાય લેતા હોય છે, પરંતુ પોતાની વિદાય રંગીન અને રંગેચંગે થવી જોઈએ. ફૂડ ઍન્ડ સપ્લાય વિભાગમાં ૨૩ વર્ષ પ્યુનનું કામ કર્યા પછી નોકરીના છેલ્લા દિવસે ઘરે જવા માટે તે ૧૦૦ ફુટ ઊંચી ક્રેન મગાવીને એના પર સવાર થઈને પોતાના ઘરે પહોંચ્યા હતા. ક્રેનને રંગબેરંગી ચૂંદડીઓ અને ફૂલોથી સજાવવામાં આવી હતી અને એની આગળ થાર, સ્કૉર્પિયો જેવી ગાડીનો કાફલો પણ હતો. આ બધાની વચ્ચે મહાવીરભાઈ ક્રેન પર ડાન્સ કરતા જોવા મળ્યા. ઑફિસથી ઘરનું પાંચ કિલોમીટરનું અંતર તેમણે ધીમે-ધીમે ૫૦ મિનિટમાં કાપ્યું હતું. તેમના પરિવારે આ દિવસ માટે એક મહિનાથી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. નિવૃત્તિના ૧૦ દિવસ પહેલાં જ ક્રેન બુક કરી લીધી હતી જેથી એની સફાઈ અને સજાવટ બરાબર કરાવી શકાય.

offbeat news haryana indian government viral videos social media