21 January, 2026 01:22 PM IST | Haryana | Gujarati Mid-day Correspondent
CCTV ફૂટેજ
હરિયાણાના ગુરુગ્રામમાં એક સ્કૉર્પિયાના ડ્રાઇવરે સ્વિગી-રાઇડરને પહેલાં અનાયાસ અને પછી જાણીબૂજીને કચડી નાખ્યો હતો. આ ઘટના નજીકમાં લગાવેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વિડિયોમાં જોઈ શકાય છે કે સ્વિગી-રાઇડર એક ઝાડ પાસે બાઇક લઈને ઊભો છે. એવામાં સ્કૉર્પિયો ગાડી આવે છે અને એને ટક્કર મારીને જાય છે. બાઇકર પડી જાય છે અને બાઇક તેના પર પડે છે. સ્વાભાવિકપણે બાઇકર બોલે છે કે ભાઈ યે ક્યા કર રહે હો? આટલું કહેતાંમાં તો સ્કૉર્પિયોનો ડ્રાઇવર ભડકે છે. તે ગાડી વાળીને ફરી પાછો આવે છે અને તેના પર ચડાવી દે છે. આ બીજી વારની ટક્કરમાં બાઇકર સ્કૉર્પિયાનાં પૈડાં નીચે કચડાઈ જાય છે. બીજો એક માણસ ત્યાંથી કૂદીને દૂર જતો રહે છે, નહીંતર તે પણ અડફેટે ચડી ગયો હોત. બીજી વારની ટક્કર પછી ટિન્કુ નામના સ્વિગી-રાઇડરની તબિયત ગંભીર છે. તેને પગ, પાંસળી અને માથામાં ગંભીર ઈજા થઈ છે અને હાલમાં તે ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં સારવાર લઈ રહ્યો છે. CCTV કૅમેરાનાં ફુટેજ પરથી હવે પોલીસ સ્કૉર્પિયોના ડ્રાઇવરની શોધખોળ કરી રહી છે.