કૅમેરાના લેન્સ પર ઘુવડ બેસી ગયું

12 May, 2022 09:44 AM IST  |  Quebec | Gujarati Mid-day Correspondent

૪૭ વર્ષના થૉમસે જણાવ્યું હતું કે તેઓ બન્ને આ પક્ષીને જોઈને અભિભૂત થયાં હતાં અને કૅમેરામાં ઝીલવા પ્રયાસ કરી રહ્યાં હતાં એવામાં તે અચાનક જ ઊડીને એનાઇસ તરફ આગળ વધ્યું અને તેના કૅમેરાના લેન્સ પર બેઠું

કૅમેરાના લેન્સ પર ઘુવડ

વિશ્વમાં ઘુવડની સૌથી મોટી પ્રજાતિનું મનાતું ગ્રેટ ગ્રે આઉલ એનો ફોટોગ્રાફ લઈ રહેલી ફોટોગ્રાફર એનાઇસના કૅમેરાના લેન્સ પર જ આવીને બેઠું હતું.  

કૅનેડાના ક્વિબેક નજીક કોટે-ડી-બ્યુપ્રેમાં એનાઇસ શિયાળાની ઠંડી આબોહવામાં બરફાચ્છાદિત ફેન્સ પર બેઠેલા આઉલના ફોટો લેવા વ્યુફાઇન્ડર સાથે ઊભી હતી ત્યારે આઉલે  તેની દિશામાં જ ઉડાણ ભરતાં તે ક્ષણભર અટકી હતી પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે આઉલ  બરાબર તેની આંખ સામે જ તેના કૅમેરાના લેન્સ પર ઊતર્યું હતું. આ સમગ્ર ઘટનાને તેના સાથી ફોટોગ્રાફર થૉમસ ફામ-વાને પોતાના કૅમેરામાં આબાદ ઝીલી લીધું હતું.

૪૭ વર્ષના થૉમસે જણાવ્યું હતું કે તેઓ બન્ને આ પક્ષીને જોઈને અભિભૂત થયાં હતાં અને કૅમેરામાં ઝીલવા પ્રયાસ કરી રહ્યાં હતાં એવામાં તે અચાનક જ ઊડીને એનાઇસ તરફ આગળ વધ્યું અને તેના કૅમેરાના લેન્સ પર બેઠું. આ દૃશ્ય અકલ્પનીય હતું આથી થોડી ક્ષણો અમે અમારું કામ ભૂલી ગયાં હતાં. જોકે પછી ફરીથી એના ફોટો પાડવા માંડ્યાં હતાં. લગભગ ૩૦ સેકન્ડ જેટલો સમય કૅમેરાના લેન્સ પર બેસી રહ્યા બાદ આઉલ ફરી પાછું ઊડી ગયું હતું. જોકે આ થોડીક ક્ષણોમાં એણે સુંદર પોઝ આપ્યા હતા. 
ઘુવડ જંગલી પ્રજાતિનું પક્ષી મનાતું હોવાથી એની પ્રતિક્રિયા વિશે અજાણ હોઈ એનાઇસ ઘણી શાંત ઊભી રહી હતી. ગ્રેટ ગ્રે ઘુવડ લંબાઈમાં સૌથી મોટું (૨૪ થી ૩૩ ઇંચ) છે. જોકે એનું વજન માત્ર ૨.૫ પાઉન્ડ હોય છે અને મોટા ભાગે પીંછાં જ હોય છે. આ પક્ષીઓ કૅનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સના પશ્ચિમી સમુદ્રતટના કેટલાક ભાગો તેમ જ સ્કેન્ડિનેવિયા, રશિયા, સાઇબિરિયા અને મૉન્ગોલિયામાં જોવા મળે છે. જંગલમાં અંદાજિત ૫૦,૦૦૦-૯૯,૯૯૯ની વસ્તી ધરાવતા આ ઘુવડને લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે ગણવામાં આવતા નથી.

offbeat news international news