ટર્કીમાં ગવર્નરે ટાઇટ પૅન્ટ પહેર્યું ને તેમની ખુરસી ગઈ

26 July, 2026 02:11 PM IST  |  Turkey | Gujarati Mid-day Correspondent

શું કોઈ સરકારી પદ પરની વ્યક્તિ પોતાનાં કપડાં પહેરવાની ચૉઇસ માટે થઈને પદ ગુમાવે એવું સંભવ છે? ટર્કીમાં એવું થયું છે.

ગવર્નર મેહમત ફાતિહ સિસકલી

શું કોઈ સરકારી પદ પરની વ્યક્તિ પોતાનાં કપડાં પહેરવાની ચૉઇસ માટે થઈને પદ ગુમાવે એવું સંભવ છે? ટર્કીમાં એવું થયું છે. ટર્કીના અર્દાહાન પ્રાંતમાં સાઇક્લિંગની એક ઇવેન્ટ દરમ્યાન ત્યાંના ગવર્નર મેહમત ફાતિહ સિસકલીએ અન્ય પ્રોફેશનલ સાઇક્લિસ્ટોની જેમ ટાઇટ પૅન્ટ પહેરી લીધું હતું. તેઓ રમતગમત અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે એટલે તેઓ આવી ફિટનેસ ઇવેન્ટ્સમાં બહુ જોવા મળે છે. જોકે આ વખતે તેમણે સાઇક્લિસ્ટોની સાથે જોડાવા માટે તેમના જેવું જ ટાઇટ ટ્રૅક પૅન્ટ પહેર્યું હતું. કાર્યક્રમ પૂરો થયા પછી તેમણે પોતાનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર પણ કર્યો. જોકે આ જોઈને વિરોધ પક્ષના કેટલાક નેતાઓનું લોહી ઊકળી ઊઠ્યું. તેમને લાગ્યું કે ગવર્નર જેવા સન્માનનીય પદ પર રહીને આવું ટાઇટ પૅન્ટ પહેરાય જ કેવી રીતે? વિપક્ષી નેતાઓના જબરદસ્ત વિરોધને કારણે ટર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોગને તેમને ગવર્નર પદેથી હટાવતી નોટિસ પકડાવી દીધી. અલબત્ત, તેમને કેમ હટાવવામાં આવ્યા એનું સીધું કારણ નોટિસમાં લખાયું નહોતું, પરંતુ દેશના યુવાનો એ સમજી ગયા. હવે અહીં યુવાનો સરકારની સામે ડિમાન્ડ કરી રહી છે કે ગવર્નરને પાછા લાવવામાં આવે. આ માટે ૫૦,૦૦૦ લોકોએ સિગ્નેચર કૅમ્પેઇન કર્યું અને ઠેર-ઠેર સાઇકલ યાત્રાઓ કાઢીને તેમને પાછા પદ પર આરૂઢ કરવામાં આવે એવી માગણીઓ થઈ રહી છે. 

offbeat news international news world news turkey