08 May, 2025 10:29 AM IST | Florida | Gujarati Mid-day Correspondent
હેન્રી બેત્સે
અમેરિકાના ફ્લૉરિડામાં રહેતા હેન્રી બેત્સે નામના ભાઈએ અજીબોગરીબ કાંડ કર્યો છે. હેન્રી ત્રણ અલગ-અલગ કાઉન્ટીમાં આવનજાવન કરતો રહે છે અને તેણે ત્રણ મહિલાઓ સાથે લગ્ન કરીને ત્રણેય સાથે અલગ-અલગ વિસ્તારમાં પોતાનો સંસાર વસાવ્યો હતો. હેન્રીએ ડેટિંગ ઍપ્સમાં અલગ-અલગ પ્રોફાઇલ બનાવીને ત્રણ મહિલાઓને બેવકૂફ બનાવી હતી. પ્રોફાઇલમાં તે લખતો કે પોતે એક રિસ્પૉન્સિબલ અને આકર્ષક વ્યક્તિ છે જે સેટલ થવા માગે છે; મને એવી સુંદર મહિલા જોઈએ છે જે જિંદગીના ઉતાર-ચડાવ સમજતી હોય, વિશ્વસનીય હોય અને કોઈ પણ પ્રકારનું છળ ન કરે. ૨૦૨૦માં તેણે ટોન્યા નામની મહિલા સાથે લગ્ન કર્યાં, બન્નેનું જૉઇન્ટ અકાઉન્ટ ખોલ્યું અને પછી તેણે પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કર્યું. એ પછી ૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનામાં તેણે બ્રૅન્ડી નામની બીજી મહિલા સાથે લગ્ન કર્યાં અને તેની સાથે પણ તેણે જૉઇન્ટ બૅન્ક-અકાઉન્ટ ખોલ્યું. એ પછી તેણે ૨૦૨૨ના નવેમ્બર મહિનામાં જ મિશેલ નામની ત્રીજી મહિલા સાથે પણ લગ્ન કર્યાં. જોકે ત્યાં સુધીમાં પહેલી પત્ની ટોન્યાને વારંવાર ગાયબ રહેતા પતિ પર શંકા જતાં તેણે પતિના નામની સર્ચ ઑનલાઇન શરૂ કરી તો ખબર પડી કે આ નામની વ્યક્તિએ બે મહિલા સાથે લગ્ન કર્યાં છે. તેણે વધુ ખણખોદ કરી તો તેનો કાંડ પકડાઈ ગયો. ટોન્યાએ તરત જ ડિવૉર્સ લઈ લીધા હતા, પણ હજી બીજી બે પત્નીઓ સાથેની ડિવૉર્સની પ્રોસેસ ચાલી રહી છે.