02 August, 2025 07:44 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
બાર કરોડના સોના-ચાંદીના દાગીના પૂરના પાણીમાં તણાઈ જતાં લોકોએ લૂંટ ચલાવી
ચીનના શાંક્સી પ્રાંતની વુકી કાઉન્ટીમાં અચાનક જ પૂર આવતાં મોટી દુકાનોનો સામાન પણ વહીને રોડ પર વહેવા લાગ્યો હતો. પચીસમી જુલાઈની આ ઘટના છે જેમાં સ્થાનિક પ્રશાસને શહેરમાં ભારે વરસાદની આગાહી કરતી ચેતવણી આપી હતી. જોકે એક જ્વેલરી શૉપના સ્ટાફે આ ચેતવણીને હલકામાં લીધી. તેમણે શૉપમાં સોના-ચાંદીની જ્વેલરી એમ જ ડિસ્પ્લેમાં રાખી મૂકી હતી. વહેલી સવારે માલિકે દુકાન ખોલી ત્યારે પણ ભારે વરસાદ છતાં પરિસ્થિતિ કન્ટ્રોલમાં લાગી રહી હતી. જોકે જોરદાર વરસાદને કારણે થોડી જ વારમાં અચાનક ઊછળતાં મોજાં સાથે પાણીનો ધસમસતો પ્રવાહ આવી ગયો. માલિક અને સ્ટાફ કંઈ સમજે અને જ્વેલરીનાં બૉક્સ કાઢીને સેફ સ્થળે પહોંચાડે એ પહેલાં તો દુકાનની અંદર ત્રણથી સાડાત્રણ ફુટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં. કેટલીક જ્વેલરી બૉક્સ સાથે તો કેટલીક એમ જ પાણીમાં વહી ગઈ. નવાઈની વાત એ હતી કે જેટલું ધસમસતું પાણી આવ્યું હતું એટલી જ ઝડપથી એ ઓસરવા પણ લાગ્યું. એને કારણે દાગીના દુકાનમાંથી પાણી સાથે રોડ પર તરવા લાગ્યા. શૉપનો સ્ટાફ રસ્તા પરના પાણીમાં તણાઈ ગયેલા સોના-ચાંદીના દાગીના શોધવામાં લાગી ગયો. એવામાં જેમને ખબર પડી એ રાહગીરો પણ જે જ્વેલરી મળી એ લઈને રફુચક્કર થઈ ગયા. માલિકનું કહેવું છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં સોનાના નેકલેસ, બંગડીઓ, વીંટી, ઇઅરરિંગ્સ, પેન્ડટ્સ, ડાયમન્ડ રિંગ્સ, જેડ પીસ અને ચાંદીના દાગીના પાણીમાં તણાઈ ગયાં. એટલું જ નહીં, શૉપમાં સેફ મૂકવામાં આવેલી જેમાં રીસાઇકલ કરેલું ગોલ્ડ અને મોટી માત્રામાં રોકડ રકમ હતી એ પણ આ હડબડીમાં કોઈ ધાપી ગયું. માલિકે જેટલો માલ ખોવાયો છે એની ફરિયાદ નોંધાવી તો એની માર્કેટ-કિંમત ૧૦ મિલ્યન યુઆન એટલે કે લગભગ ૧૨ કરોડ રૂપિયા જેટલી છે.
પૂર ઓસરી ગયા પછી સ્ટાફે બે દિવસ સુધી આસપાસના કીચડમાંથી દાગીના રિકવર કરવાની મથામણ કરી હતી. એમાંથી તેમને લગભગ એક કિલો સોનાની જ્વેલરી પાછી મળી શકી હતી. આસપાસના લોકો કે રાહગીરો જે અફરાતફરીમાં દાગીના ઉઠાવી ગયેલા એમાંથી પણ કેટલાક લોકો પોતાની મેળે પાછા આપી ગયા હતા.