04 August, 2025 03:19 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
પાણી ભરેલા ખાડામાં દીકરી પડી અને પલળી ગઈ એટલે પપ્પાને ગુસ્સો આવતાં ખાડામાં જ ચાદર લઈને લંબાવી દીધું
વરસાદમાં પડી જતા ખાડાઓ તરફ નગરપાલિકાનું ધ્યાન ખેંચવા સ્થાનિક નાગરિકો જાતજાતનાં ગતકડાં પણ કરે છે. તાજેતરમાં આવી જ ઘટના બહાર આવી છે કાનપુરથી. વાત એમ હતી કે કિશોર વયની એક દીકરી રસ્તા પર ચાલી રહી હતી ત્યારે પાણી ભરેલા ખાડામાં પડી ગઈ હતી. ખાસ વાગ્યું નહોતું, પણ કાદવમાં પડવાથી તેનાં કપડાં ખરાબ થઈ ગયાં હતાં. ખાડો ઊંડો હોત તો કદાચ દીકરીને વાગ્યું પણ હોત એ વિચારે તેના પપ્પા શીલુ દૂબે ખૂબ જ બેચેન થઈ ગયા. તેમણે ઠાની લીધું કે હવે તો નગરપાલિકાએ આ બાબતે કંઈક કરવું જ પડે એવું વિરોધ-પ્રદર્શન કરવું છે. જે ખાડામાં દીકરી પડેલી ત્યાં જ પપ્પાએ ચટાઈ અને ઓશીકું લઈને લંબાવી દીધું. એ વખતે આસપાસમાંથી કાર અને ટૂ-વ્હીલર્સ પણ પસાર થઈ રહ્યાં હતાં અને એના છાંટા પણ આ ભાઈ પર ઊડી રહ્યા હતા. રસ્તે જતા લોકો તેમનો વિડિયો ઉતારવા લાગ્યા અને કેમ ખાડામાં સૂઈ ગયા છે એ વિશે પૂછવા લાગ્યા તો તેમણે એ જ જગ્યાએ પલાંઠી વાળીને બેસીને બધા જ જવાબો પણ આપ્યા. આ વિડિયો જબરો વાઇરલ થયો છે. આ ભાઈ વિડિયોમાં કહે છે કે તેમણે અનેક અધિકારીઓ, નગરસેવકો, વિધાનસભ્યો અને સંસદસભ્યો સુધી ફરિયાદ કરી છે કે નવી સડકો બનાવો, પણ કોઈ સાંભળતું નથી. આએ દિન આ ખાડાઓમાં બાઇક પડી જાય છે અને સ્કૂલમાં આવતાં-જતાં બાળકો પણ પડી જાય છે. સોશ્યલ મીડિયા પર મુકાયેલી આ પોસ્ટમાં બીજા પણ અનેક લોકોએ કમેન્ટ કરી છે કે ગયા વર્ષે પણ આ રોડ આવા જ ખાડાવાળો થઈ ગયેલો અને એક વૃદ્ધ એમાં પડીને ઘાયલ થયા હતા, પણ પ્રશાસન એ બાબતે કોઈ ઠોસ પગલાં લેતું નથી.