15 August, 2022 11:33 AM IST | West Midlands | Gujarati Mid-day Correspondent
ઘરમાં ઘૂસેલું સારસ પક્ષી
ગરમીની મોસમમાં ઘરમાં ઠંડકનો અનુભવ કરવા દરવાજો ખુલ્લો રાખનાર પરિવાર ઘરમાં ઘૂસેલા સારસ પક્ષીને જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. જોકે એને ઘરની બહાર કાઢવાની કોશિશ કરતાં એણે ચીસાચીસ કરીને બધાને ડરાવી દીધા હતા.
આ સારસ પક્ષી તેમના ઘરથી લગભગ ૧૦૦ માઇલ દૂર આવેલા ઝૂમાંથી નાસી આવ્યું હતું અને ઘરમાં ઘૂસ્યા બાદ દાદર ચડીને ઉપર પહોંચી ગયા બાદ ઘરમાંથી નીકળવા તૈયાર નહોતું. સારસ પક્ષીથી છુટકારો મેળવવા તેમણે અનુભવી રેસ્ક્યુ વૉલન્ટિયરની મદદ લેવી પડી હતી.
ઘટનાનું વર્ણન કરતાં ૫૯ વર્ષના રૉબિન ડાઉએ કહ્યું કે ‘પક્ષી ઘૂસ્યું એ વખતે મારી ૧૭ વર્ષની દીકરી ઘરમાં એકલી હતી. પક્ષીથી ડરીને તે ઘરના ઉપરના માળે પોતાની રૂમમાં જતી રહી હતી. પછીથી પક્ષી પણ ઉપરના માળે પહોંચી જતાં તે પોતાની રૂમમાં અટવાઈ ગઈ હતી.’
આ સારસ પક્ષી માત્ર ત્રણ મહિનાનું છે.