04 May, 2025 09:59 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
મૉરોક્કો જતી ફ્લાઇટમાં આ ભાઈની બાજુની સીટમાં બેઠું હતું બાજ, એ પણ પાસપોર્ટ સાથે
અબુ ધાબીથી મૉરોક્કો જતી એક ફ્લાઇટમાં એક પૅસેન્જરે તેને થયેલો અજીબ અનુભવ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. ઍરપોર્ટ પર તે પોતાની સીટ પર જઈને બેઠો તો બાજુની સીટમાં એક બાજ બેઠું હતું. હા, બાજ પક્ષીની જ વાત થઈ રહી છે. અબુ ધાબી ઍરપોર્ટ પણ લેવાયેલા આ વિડિયોમાં હાથ પર બાજ પક્ષી બેસાડીને ટ્રેડિશનલ સફેદ લાંબા સાઉદી અરેબિયન લુકમાં પ્રવેશેલા ભાઈને પૅસેન્જરે પૂછી લીધું કે શું આ આપણી સાથે ટ્રાવેલ કરશે? પેલા આરબભાઈએ એટલી જ સહજતાથી કહી દીધું કે હા, આપણી સાથે જ પ્લેનમાં આવશે.
તેના જવાબ પરથી લાગી રહ્યું હતું કે આ કંઈ નવું નથી, બાજ પક્ષીએ અવારનવાર ટ્રાવેલ કર્યું જ છે. હવે પેલા ભાઈએ કુતૂહલથી પૂછી લીધું કે શું તેની પાસે ટ્રાવેલ કરવાનાં કાગળિયાં છે? તો પ્રાઉડ ઓનરે બૅગમાંથી બાજનો પાસપોર્ટ કાઢ્યો અને કહ્યું કે એ નર બાજ છે, મૂળ સ્પેનનો.
એ પાસપોર્ટમાં જેન્ડર, મૂળ પ્રજાતિ અને ટ્રાવેલ હિસ્ટરી પણ લખેલી હતી. એ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. આ વિડિયો જોનારા પણ દંગ રહી જ ગયા હશે.