બરફના તોફાનમાં કાર ફસાતાં મીઠાઈ અને બ્રેડ પર એક સપ્તાહ સુધી ટકી રહ્યા

14 March, 2023 11:39 AM IST  |  California | Gujarati Mid-day Correspondent

હિમવર્ષાને કારણે તેમણે માત્ર ૩૦ મિનિટમાં પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

કૅલિફૉર્નિયાથી નેવાડા તરફ જઈ રહેલા જેરી જોરેટ નામના ૮૧ વર્ષના વૃદ્ધ હિમવર્ષાને કારણે તેમની કારમાં ફસાઈ ગયા બાદ લગભગ એક અઠવાડિયા સુધી ફસાયેલા રહ્યા હતા. એ સમય દરમ્યાન કારને ચાલુ રાખીને મળતા ગરમાટા તેમ જ કારમાં સંગ્રહિત મીઠાઈ અને ક્વેસૉં (એક પ્રકારની ફ્રેન્ચ બ્રેડ) પર જીવતા રહી શક્યા હતા. તેમના પરિવારજનોએ તેઓ ગુમ થયા હોવાનો કેસ દાખલ કર્યા બાદ પોલીસે તેમને શોધી કાઢ્યા હતા.

વાસ્તવમાં વૃદ્ધ ગણિતશાસ્ત્રી અને નાસાના ભૂતપૂર્વ કર્મચારી જેરી જોરેટ કૅલિફૉર્નિયાના બિગપાઇનથી નેવાડાના ગાર્ડનરવિલે સ્થિત તેમના ઘરે જઈ રહ્યા હતા તે સમયે અચાનક શરૂ થયેલી હિમવર્ષાને કારણે તેમણે માત્ર ૩૦ મિનિટમાં પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને એક અવરોધિત રસ્તા પર ફસાઈ ગયા હતા. એ દરમ્યાન અવારનવાર પોતાની કાર ચાલુ કરીને તેઓ ગરમાટો મેળવી લેતા હતા તથા તેમની કારમાં રહેલી મીઠાઈ અને ક્વેસૉં પર જીવતા રહી શક્યા હતા. જોકે ત્રણ દિવસ બાદ તેમની કારની બૅટરી બંધ પડી ગઈ હતી. જેરી ગુમ થયાની ફ​રિયાદ છતાં પ્રતિકૂળ હવામાનને કારણે તાત્કાલિક તેમની શોધખોળ શરૂ કરી શકાઈ નહોતી. મોબાઇલ પર મેસેજની સિસ્ટમનો ઉપયોગ કરી તેમનું લોકેશન મેળવ્યા બાદ તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

offbeat news international news united states of america