ફ્લાઇટની ટિકિટ બુક કરી, પરંતુ વિમાનમાં એ સીટ જ ન હોય તો?

24 June, 2022 08:09 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડેઇઝી બાર અને તેના મિત્રોને વિમાનમાં ૨૬મી હરોળમાં સીટ ફાળવવામાં આવી હતી

ડેઇઝી બાર અને તેના મિત્રો

યુવતીઓના એક ગ્રુપે ઇઝીજેટ નામની ઍરલાઇન્સની ટિકિટ ખરીદી હતી, પરંતુ જ્યારે તેઓ વિમાનમાં પ્રવેશી ત્યારે એ નંબરની સીટો જ નહોતી. ડેઇઝી બાર અને તેના મિત્રોને વિમાનમાં ૨૬મી હરોળમાં સીટ ફાળવવામાં આવી હતી. જ્યારે તેઓ વિમાનમાં આગળ વધતાં-વધતાં પાછળની તરફ ગયાં તો ત્યાં માત્ર ખાલી જગ્યા હતી. હરોળમાં ૨૬ નંબર દેખાતો હતો, પરંતુ એકેય ખુરસી નહોતી.

ડેઇઝીએ પોતાની સાથે બનેલી આ ઘટનાનો ટિકટૉક વિડિયો બહાર પાડ્યો હતો, જેમાં યુવતીઓ પરેશાન અને અવાક્ હોય એવું દેખાય છે. આ ફુટેજ વાઇરલ થયું છે, જેમાં તેમના હાથમાં પાસપોર્ટ અને ટિકિટ છે. તેઓ બધા આ ઘટનાને કારણે આશ્ચર્યમાં છે. કેટલાક લોકોએ તેમને હેલ્પ પણ કરી છે. એક યુઝરે લખ્યું હતું કે અમને પણ આવો જ અનુભવ થયો હતો. કેટલાક યુઝરે આવી ઘટનાથી આઘાત પણ વ્યક્ત કર્યો હતો. એક વ્યક્તિએ કહ્યું કે વિમાનના પ્રવાસીઓને આ રીતે ઊભા રાખી ન શકાય. તેમણે કહ્યું કે વિમાનના કર્મચારીઓને ઓછા કરી શકાય. બીજી તરફ ઈઝીજેટના પ્રવક્તાએ કહ્યું કે ‘કેટલાંક વિમાનોમાં સીટની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મુસાફરોને નવી સીટ ફાળવવામાં આવી હતી અને તેઓ નિર્ધારિત સમયે જ પ્રવાસે ઊપડ્યા હતા. 

offbeat news international news