29 July, 2024 10:48 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સાથે બિટકૉઇનના રાઉન્ડ ટેબલ પર બેસવું હોય તો એ હવે કોઈ પણ વ્યક્તિ માટે શક્ય છે. ટેનેસીના નેશવિલેમાં બિટકૉઇન કૉન્ફરન્સની શરૂઆત થઈ છે. આ કૉન્ફરન્સમાં ડોનલ્ડ ટ્રમ્પ ફન્ડરેઇઝર ઇવેન્ટનું આયોજન કર્યું છે. આ માટે તેઓ પોતે એ કૉન્ફરન્સમાં હાજરી આપશે. ડોનલ્ડ ટ્રમ્પે ખાતરી આપી છે કે તે અમેરિકાને ક્રિપ્ટોકરન્સીનું કૅપિટલ બનાવશે. આ ઇવેન્ટમાં ડોનલ્ડ ટ્રમ્પ સાથે રાઉન્ડ ટેબલ પર બેસવા માટે વ્યક્તિદીઠ સાત કરોડ રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે જ તેમની સાથે એક ફોટો ક્લિક કરાવવા માટે પચાસ લાખ રૂપિયા ચૂકવવા પડશે. બિટકૉઇન કૉન્ફરન્સની ટિકિટ સામાન્ય રીતે ૫૮,૦૦૦થી લઈને ૧૭.૫૦ લાખ રૂપિયા સુધીની હોય છે. જોકે ડોનલ્ડ ટ્રમ્પ સાથે બેસવા માટે જંગી રકમ ચૂકવવી પડશે. આ માટે ડેમોટ્રેટિક પાર્ટીની મેમ્બર અને વાઇસ પ્રેસિડન્ટ કમલા હૅરિસને પણ આ ઇવેન્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે તેમણે એને રિજેક્ટ કરી દેતાં ક્રિપ્ટોજગતમાં એને લઈને લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.