પતિએ કિડની આપીને પત્નીનો જીવ બચાવ્યો, પણ વર્ષો બાદ છૂટાછેડા થતાં કિડની પાછી માગી લીધી

06 August, 2025 02:16 PM IST  |  New york | Gujarati Mid-day Correspondent

જ્યારે પ્રેમસંબંધ કટાઈ જાય, તૂટવાના આરે હોય અને સંબંધોમાં ભારે કડવાશ આવી જાય ત્યારે લોકો કેવી વિચિત્ર ડિમાન્ડ કરે એનો નમૂનો આ ડૉક્ટરના ડિવૉર્સ કેસથી મળે છે

રિચર્ડ બૅટિસ્ટા નામના ડૉક્ટર અને પત્ની

સેલિબ્રિટી કપલના છૂટાછેડાની વાતો વધુ ચગતી હોય છે, પરંતુ અમેરિકાના ન્યુ યૉર્કમાં એક ડૉક્ટરના ડિવૉર્સ ચર્ચાના ચગડોળે ચડ્યા છે. લગ્નમાં જ્યારે પ્રેમ અકબંધ હોય ત્યારે એકબીજા માટે જીવ ન્યોછાવર કરવા પણ લોકો તૈયાર થઈ જાય છે; પણ જ્યારે પ્રેમસંબંધ કટાઈ જાય, તૂટવાના આરે હોય અને સંબંધોમાં ભારે કડવાશ આવી જાય ત્યારે લોકો કેવી વિચિત્ર ડિમાન્ડ કરે એનો નમૂનો આ ડૉક્ટરના ડિવૉર્સ કેસથી મળે છે. રિચર્ડ બૅટિસ્ટા નામના ડૉક્ટરની પત્નીને ૨૦૦૧માં માંદગી આવી અને તેની કિડની ફેઇલ થઈ જતાં તેને જીવાડવા માટે કિડની ડોનરની જરૂર પડી. એ વખતે રિચર્ડે પોતાની કિડની ડોનેટ કરી. જોકે થોડાં વર્ષો પછી તેમના સંબંધોમાં કડવાશ આવતાં પત્નીએ છૂટાછેડા માટે કેસ ફાઇલ કર્યો. એ વખતે ડૉક્ટર રિચર્ડ બૅટિસ્ટાએ જે ડિમાન્ડ કરી એ પત્ની જ નહીં, જજને પણ અચંબિત કરી દે એવી હતી. ડૉક્ટરે ‌ડિમાન્ડ કરી કે છૂટાછેડાના બદલામાં પત્નીએ તેને આપેલી કિડની પાછી આપવી. જોકે ઑર્ગન એક વાર ડોનેટ કરી દીધા પછી ફરીથી ક્લેમ કરી શકાતું નથી. આ કાયદાને કારણે તેની અરજી ખારીજ કરી દેવામાં આવી. તો રિચર્ડભાઈએ કિડનીના બદલામાં ૧.૫ મિલ્યન ડોલર એટલે કે લગભગ ૧૩.૧૫ કિરોડ રૂપિયાનું વળતર માગ્યું. પતિની આ‌ ડિમાન્ડ કેટલી વાજબી કહેવાય? એ બાબતે સોશ્યલ મીડિયા પર ડિબેટ ચાલુ થઈ ગઈ છે. પ્રેમ, ત્યાગ, સમર્પણ જેવી લાગણીમાં ઓટ આવી જાય ત્યારે સંબંધો કેવા વિચિત્ર તબક્કે જઈ પહોંચે છે.

united states of america new york relationships celebrity divorce international news news world news social media offbeat news