30 December, 2025 06:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ઇન્દિરા ગાંધી મૅડિકલ કૉલેજ (IGMC) માં એક ડૉક્ટર અને દર્દી વચ્ચે થયેલી મારપીટની ઘટના, જેણે દેશભરમાં વ્યાપક પણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, તેનો હવે શાંતિપૂર્ણ ઉકેલ આવી ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. વિવાદના કેન્દ્રમાં રહેલા ડૉક્ટર રાઘવ નરુલા અને દર્દી અર્જુન પનવારે ઝઘડા બદલ હવે એકબીજાની માફી માગી છે, જેનાથી મામલો શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો છે. સમાધાન પછી મીડિયા સાથે વાત કરતા, ડૉ. રાઘવ નરુલાએ કહ્યું કે ઘટના દરમિયાન બન્ને તરફથી ભૂલો થઈ હતી. “તે સમયે જે બન્યું તેમાં અમારા બન્નેની ભૂલ હતી. હવે અમે સમજૂતી પર પહોંચ્યા છીએ, બધી ગેરસમજ દૂર થઈ ગઈ છે. અમે એકબીજાને ગળે લગાવ્યા અને માફી માગી, અને હવે બધું બરાબર છે,” તેમણે કહ્યું.
દર્દી અર્જુન પનવારે પણ પુષ્ટિ કરી કે વિવાદ ઉકેલાઈ ગયો છે. તેમણે કહ્યું કે ડૉક્ટરે તેમની ભૂલ સ્વીકારી અને માફી માગી, જેના પછી તેમણે મામલો સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. “મેં પણ આ મુદ્દો સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. હું ત્યારે શું થયું તેના પર કોઈ ટિપ્પણી કરવા માગતો નથી. એકવાર માફી માગવામાં આવે, પછી મામલો ત્યાં જ સમાપ્ત થઈ જવો જોઈએ,” પનવારે કહ્યું. “તમે મને ટૂંક સમયમાં ડૉક્ટર સાહેબના લગ્નમાં પણ જોઈ શકો છો,” તેમણે ઉમેર્યું.
અર્જુન પનવાર નામનો દરદી એન્ડોસ્કોપી કરાવવા આવ્યો હતો. ડૉક્ટરોએ તેની એન્ડોસ્કોપી લગભગ ૧૧ વાગ્યે કરી અને પછી તેને બીજા વૉર્ડમાં જઈને આરામ કરવા કહ્યું. એ વખતે તેના મોઢા પર માસ્ક હતો. અર્જુન પનવાર બાજુના વૉર્ડમાં ગયો અને ત્યાં એક બેડ ખાલી દેખાતાં ત્યાં જઈને સૂઈ ગયો. થોડી વારમાં એક ડૉક્ટર આવ્યા અને તેમણે પૂછ્યું કે ‘તૂ યહાં કહાં સે આ ગયા?’ એના જવાબમાં અર્જુને કહ્યું કે બેડ ખાલી જોયો એટલે સૂઈ ગયો. એ પછી ડૉક્ટરે તેને માર માર્યો અને એના જવાબમાં દરદીએ તેને લાતો મારી હતી. અર્જુનના પરિવારજનોનો આરોપ છે કે એ વાત સાંભળીને ડૉક્ટરે તેની સાથે ગેરવર્તન કરી અને મારવા પર આવી ગયા હતા.
હિમાચલ પ્રદેશ સરકારે 24 ડિસેમ્બરે મારપીટ બદલ સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરને બરતરફ કર્યા હતા. અધિકારીઓએ ડૉક્ટરને ગેરવર્તણૂક અને જાહેર સેવકના અયોગ્ય કૃત્યો માટે દોષિત ઠેરવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાની તપાસ માટે રચાયેલી સમિતિએ તારણ કાઢ્યું હતું કે કેસમાં બન્ને વ્યક્તિઓ દર્દી અર્જુન સિંહ જે શિમલાની એક ખાનગી એકેડેમીમાં ભણાવે છે અને ડૉક્ટર રાઘવ નરુલા દોષિત હતા. આ ઘટના બાદ રેસિડેન્ટ ડૉક્ટરો અને દર્દીના સંબંધીઓ વચ્ચે તણાવ વધી ગયો હતો, જેના કારણે IGMCમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. જોકે, બન્ને પક્ષોએ હવે સમાધાનનો વિકલ્પ પસંદ કરતા, હૉસ્પિટલમાં સામાન્યતા પુનઃસ્થાપિત થઈ ગઈ છે.