પત્ની સાથે તલાક થવાની ખુશીમાં પતિએ ૪૦ લીટર દૂધથી કર્યું સ્નાન

14 July, 2025 12:15 PM IST  |  Dispur | Gujarati Mid-day Correspondent

હું મુક્ત છું એમ કહીને તે નાચવા લાગ્યો હતો. આ ખુશીમાં તેણે ૪૦ લીટર દૂધ મગાવ્યું હતું અને એનાથી સ્નાન કર્યું હતું.

માણિક અલીના પત્ની સાથે તલાક થઈ ગયા બાદ પત્નીથી છુટકારો મેળવવાની ખુશીમાં તેણે ૪૦ લીટર દૂધથી સ્નાન કરીને એની ઉજવણી કરી

આસામના નલબારી જિલ્લાના માણિક અલીના પત્ની સાથે તલાક થઈ ગયા બાદ પત્નીથી છુટકારો મેળવવાની ખુશીમાં તેણે ૪૦ લીટર દૂધથી સ્નાન કરીને એની ઉજવણી કરી હતી. આ ઉજવણીનો વિડિયો બનાવીને તેણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. માણિક અલીનાં લગ્ન થોડાં વર્ષો પહેલાં થયાં હતાં અને તેને એક પુત્રી પણ છે, પરંતુ તેની પત્નીનો એક પુરુષ સાથે ગેરકાયદે સંબંધ હતો. તે તેના પ્રેમી સાથે ઘણી વખત ભાગી ગઈ હતી. દરેક વખતે પુત્રીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને માણિક અલી સમાધાન કરતો હતો. તે તેની પત્નીને કોઈ પ્રશ્ન પૂછતો ત્યારે તે તેને માનસિક રીતે હેરાન કરતી હતી. પરિવાર, પુત્રી, માતા-પિતા અને સમાજના આદરને કારણે તેણે કોઈને કંઈ કહ્યું નહીં અને બધું સહન કરતો રહ્યો હતો. જ્યારે પરિસ્થિતિ અસહ્ય બની ગઈ ત્યારે આખરે તેણે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા પછી એક દિવસ વકીલનો ફોન આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે તેના છૂટાછેડા થઈ ગયા છે અને કોર્ટે એને મંજૂરી આપી દીધી છે, હવે તે સંપૂર્ણપણે મુક્ત છે. આ સાંભળીને માણિક અલીની ખુશી બમણી થઈ ગઈ હતી. તેને ખબર નહોતી પડતી કે શું કરવું. હું મુક્ત છું એમ કહીને તે નાચવા લાગ્યો હતો. આ ખુશીમાં તેણે ૪૦ લીટર દૂધ મગાવ્યું હતું અને એનાથી સ્નાન કર્યું હતું.

assam national news news social media viral videos offbeat news mental health