21 August, 2025 08:30 AM IST | China | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચેન હૉન્ગના હુલામણા નામે જાણીતી ચીનની એક મહિલાને ફ્રૉડ કરવા બદલ ૨૦૨૦ના ડિસેમ્બર મહિનામાં પાંચ વર્ષની જેલની સજા થઈ હતી. જોકે ચીનની કાનૂની જોગવાઈ મુજબ પ્રેગ્નન્ટ અને નવજાત બાળકને સ્તનપાન કરાવતી માતાઓને ટેમ્પરરી ધોરણે જેલની બહાર રાખવામાં આવે છે. આ જ કાયદાનો લાભ લઈને ચેન હૉન્ગે તેનો પાંચ વર્ષનો જેલનો ગાળો કાં તો હૉસ્પિટલમાં કાં તો ઘરે ગાળ્યો હતો. સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટમાં છપાયેલા રિપોર્ટ મુજબ ૨૦૨૦થી ૨૦૨૪ના ચાર વર્ષ દરમ્યાન ચેનબહેને ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. દરેક પ્રેગ્નન્સી વખતે તેને ચાઇનીઝ લૉ મુજબ જેલની બહાર રહેવા મળી જતું હતું. આ સમયગાળા દરમ્યાન દર ત્રણ મહિને તેણે પોતાનો મેડિકલ રિપોર્ટ સબમિટ કરવાનો રહેતો અને નિયમિત ધોરણે થતા ઇન્સ્પેક્શનમાં સાથ આપવાનો રહે છે. જોકે ઇન્સ્પેક્શન દરમ્યાન અધિકારીઓ તેના ઘરે તપાસ કરવા આવ્યા ત્યારે ખબર પડી કે તેનાં પહેલાં બે સંતાનો એક્સ-હસબન્ડ સાથે રહે છે અને હજી એક વર્ષનું પણ નથી થયું એ નવજાત બાળક પતિની બહેનને ત્યાં રહે છે. અધિકારીઓની ઊલટતપાસમાં તેણે કહ્યું હતું કે તેણે પતિને છૂટાછેડા આપી દીધા છે અને સંતાનો પતિ રાખે છે. આ આખીય ઘટનામાં અધિકારીઓને લાગ્યું કે ચેને જેલની સજાથી બચવા માટે પ્રેગ્નન્સીનો ઉપયોગ કર્યો છે એટલે તરત જ તેને ડિટેન્શન સેન્ટરમાં હાજર રહીને એક વર્ષની બાકીની સજા ભોગવવાનો આદેશ કર્યો છે.