19 June, 2026 11:28 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent
શૂએ ઘરમાં જંગલી મશરૂમ ઉગાડ્યાં હતાં
ચીનમાં ૪૦ વર્ષના શૂ નામના ભાઈએ જંગલી મશરૂમ ખાઈ લીધા પછી અચાનક પોતાને સુપરમૅન સમજવા લાગ્યા અને જીવનને જોખમમાં મૂકી દે એવું કામ કર્યું. તે પોતાને અમર સમજી બેઠો અને ૨૭મા માળ પરની બારીમાંથી છલાંગ લગાવીને પાઇપના સહારે નીચે ઊતરવા લાગ્યો હતો. વાત એમ હતી કે શૂએ ઘરમાં જંગલી મશરૂમ ઉગાડ્યાં હતાં. આ મશરૂમ ખાધા પછી ભ્રાંતિ થવા લાગે છે. એ ખાઈને તેને લાગતું હતું કે પરિવારજનો તેને અમર બનાવવાની તાલીમ આપી રહ્યા છે અને હવે તેનું મૃત્યુ કાયમ માટે ટળી ગયું છે. એ જ અમરપટાના વિશ્વામાં તે બારીની બહાર નીકળી પડ્યો. જોકે પાઇપ પર ઊતરતાંની સાથે જ તેને અસલિયત સમજાઈ ગઈ. તેને લાગ્યું કે તે હવે પડી જશે. એમ છતાં તે પાઇપથી નીચે ઊતરતો રહ્યો. જોકે ૨૬મા માળે રહેતા દોસ્તે શૂને પાઇપ પર લટકતો જોયો અને તરત જ તેનો હાથ પકડીને પૂરું જોર લગાવીને ઘરમાં ખેંચી લીધો હતો. આ ઘટના પછી ખૂબ જ ડરી ગયેલો શૂ બેભાન થઈ ગયો હતો. તરત તેને ડૉક્ટર પાસે લઈ જવાયો હતો જ્યાં તપાસ દરમ્યાન ડૉક્ટરોએ કહેલું કે તેના શરીરમાં જંગલી મશરૂમનું એવું કેમિકલ મળ્યું હતું જેનું દારૂ સાથે સેવન કરવાથી મગજમાં ભ્રાંતિ પેદા થઈ હતી.